મણિપુર મામલે સુપ્રીમ કોર્ટ જરાય દયાના મૂડમાં નહીં, આજે તો મોટામાં મોટો કર્યો ઓર્ડર

મણિપુરમાં બે કૂકી મહિલાઓના રેપ મામલે સુપ્રીમ કોર્ટ જરા પણ દયાના મૂડમાં નથી. આજે બીજા દિવસે સુપ્રીમ કોર્ટે આ કેસમાં સુનાવણી કરીને કેટલાક મોટા ઓર્ડર કરીને હવે વધુ સુનાવણી 7 ઓગસ્ટ સુધી મોકૂફ રાખી દીધી છે.
સુપ્રીમ કોર્ટે CBIને મણિપુર કેસમાં પીડિત મહિલાના નિવેદન નોંધવા પર રોક લગાવી છે. કોર્ટે સીબીઆઈને પીડિતાનું નિવેદન રેકોર્ડ ન કરવા કહ્યું છે, જેનો નગ્ન પરેડ કરવાનો વીડિયો સામે આવ્યો હતો. એટલે કે કોર્ટે સીબીઆઈને રાહ જોવા કહ્યું. સવારે આ આદેશ આપતાં કોર્ટે બપોરે 2 વાગ્યે સુનાવણી કરવાનું કહ્યું હતું. મંગળવારે બપોરે 2 વાગ્યે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મણિપુરના ડીજીપીને સમન્સ પાઠવ્યા હતા. તેમને રૂબરૂ હાજર રહેવા જણાવાયું હતું. કોર્ટે કહ્યું કે તેઓ તમામ પ્રશ્નોના જવાબ સાથે આવે. શૂન્ય એફઆઈઆર ક્યારે થઈ, નિયમિત એફઆઈઆર ક્યારે થઈ, કેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા, પીડિતાનું નિવેદન ક્યારે લેવામાં આવ્યું… આ બધા પ્રશ્નોના જવાબ તેમની પાસે હોવા જોઈએ.
પોલીસવાળાની સામે એક્શન કેમ ન લેવાયા
મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી કરી. ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડે સ્થાનિક પોલીસ પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે એફઆઈઆર નોંધવામાં નોંધપાત્ર વિલંબ થયો છે. તેમણે એમ પણ કહ્યું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ છે અને કાયદાનું કોઈ શાસન નથી.
સુનાવણી દરમિયાન સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે મહિલાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમને પોલીસે ટોળાને સોંપી દીધી હતી, શું પોલીસે કોઈ ધરપકડ કરી છે? શું આટલા મહિનામાં ડીજીપીએ આ જાણવાની કાળજી લીધી હતી? શું તેઓએ પોલીસ અધિકારીઓને સવાલ કર્યા હતા? ચીફ જસ્ટીસે કહ્યું કે ડીજીપીએ કોઈ પોલીસવાળાની સામે એક્શન લીધા છે.
ચીફ જસ્ટીસે એવું પણ કહ્યું કે ગુનો કોણે આચર્યો છે તેની પ્રત્યે કોર્ટનો અભિગમ સ્પસ્ટ છે. ગુનો ગુનો છે પછી પીડિત કે ગુનેગાર કોણ છે તે મહત્વનું નથી.
સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપતાં કહ્યું કે તમારે જવાબ તૈયાર કરવા પડશે જેમાં ઘટનાની તારીખ, ઝીરો એફઆઈઆરની તારીખ, રેગ્યુલેર એફઆઈઆરની તારીખ, જે તારીખ સાક્ષીઓના નિવેદનો લેવાયા તેની તારીખનો ઉલ્લેખ હોય.