હું મારો જીવ આપી દેવા તૈયાર છું પણ સમજૂતી નહીં કરું- મમતા બેનર્જી
શારદા કૌભાંડમાં પોલીસ કમિશ્નર રાજીવ કુમારની તપાસ માટે પહોંચેલી સીબીઆઈની ટીમ અને પોલીસ વચ્ચે રવિવારે થયેલા વિવાદ પછી પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ મોદી સરકાર વિરુદ્ધ ધરણાં શરૂ કર્યા છે. હવે ફરી એકવાર આ ઘટનાક્રમમાં સીબીઆઈ વિવાદના કેન્દ્રમાં છે. રવિવારે સાંજે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે દરોડા મારવા પહોંચેલી સીબીઆઈની ટીમના અધિકારીઓને જ કોલકાતા પોલીસે ઘેરી લીધા અને ધરપકડ કરી. સીબીઆઈના વિરોધમાં મમતા ધરણા પર બેસી ગયા.
મમતા બેનરજીએ જણાવ્યું કે, હું જીવ આપવા તૈયાર છું પણ સમજુતી કરીશ નહીં. જ્યારે ટીએમસીના નેતાઓની ધરપકડ કરવામાં આવી ત્યારે હું કશું જ બોલી નહોતી. મેં વિરોધ પણ કર્યો નહોતો. આ મુદ્દે હવે તમામ મર્યાદાઓનો ભંગ થઈ ગયો છે. મને ગુસ્સો એક જ વાતનો આવ્યો છે કે, કોલકાતાના પોલીસ કમિશનરની ધરપકડ કરીને તેમના પદનું અપમાન કરવામાં આવી રહ્યું છે. તેઓ એક ઉચ્ચ સંસ્થાના ઉચ્ચ અધિકારી છે. આ પદનું માન જળવાવું જોઈએ.
મમતાએ ઘટનાસ્થળેથી જ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. મમતાએ કહ્યું છે કે, તેમના આ ધરણા 8 ફેબુરારી સુધી યથાવત રહેશે. ત્યાર બાદ પણ ધરણા યથાવત રહેશે, પણ માઈકનો ઉપયોગ નહીં કરવામાં આવે. કારણ કે 8 ફેબુરારીથી રાજ્યમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, લોકતંત્ર ખતમ થઈ ગયું છે, જો તમે ભાજપનો વિરોધ કરીએ તો તેઓ એજંસીઓનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું હતું કે, અમે ઝુકીશું નહીં, સરકારી વહીવટ અહીંથી જ યથાવત રહેશે.
હવે મમતા બેનરજીએ ઘરણાસ્થળે જ કેબિનેટની બેઠક યોજી છે. તેઓ અહીં બેઠા બેઠા જ તમામ ફાઈલો પર સહી કરી રહ્યાં છે. મમતા બેનરજી સાથે તેમની આખી કેબિનેટ પણ ધરણાસ્થળે જ છે. મમતા બેનરજી અહીંથી જ તમામ કામકાજ કરી રહ્યાં છે.