વાહનો ચાલકોને હાલાકી, મીઠાખળી અંડરપાસ 6 મહિના માટે કરાયો બંધ
મીઠાખળી અંડરપાસને તંત્ર દ્વારા તેને અપ અને ડાઉન લાઇનમાં છ મીટર પહોળો કરવાની કામગીરીના કારણે આજથી છ મહિના માટે ટ્રાફિકની અવરજવર માટે બંધ કરી દેવાયો છે. અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં ફેરવવા માટેનું કામ રેલવે સત્તાવાળાઓ દ્વારા ચાલી રહ્યું છે. આ કામગીરી રેલ વિકાસ નિગમ દ્વારા કરાઇ રહી હોઇ તંત્ર દ્વારા પહેલાં માદલપુર ગરનાળાનું લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયું હતું.
સાત મીટર પહોળા માદલપુરના બંને ગાળાને વધુ બે મીટર પહોળો કરાયા બાદ હવે રેલવ વિકાસ નિગમ દ્વારા મીઠાખળી અંડરપાસને અપ અને ડાઉન લાઇનમાં છ મીટર પહોળો કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જ્યારે આ અંડરપાસની હાલની ૪.૧પ મીટરની ઊંચાઇ વધારીને ૪.પપ મીટર કરાશે. દરમિયાન આજથી રેલ વિકાસ નિગમ દ્વારા મીઠાખળી અંડરપાસને પહોળો કરવાની કામગીરી હાથ ધરાઇ હોઇ તેને છ મહિના માટે ટ્રાફિકની અવરજવર માટે બંધ કરી દેવાયો હોવાનું મ્યુનિસિપલ કંટ્રોલ રૂમનાં સૂત્રો જણાવે છે.
આ અંડરપાસને ટ્રાફિક માટે બંધ કરી દેવાતાં હવે વાહનચાલકોએ મીઠાખળી ગામ ક્રોસિંગ, નહેરુ બ્રિજ ચાર રસ્તા, માદલપુર ગરનાળા, ગુજરાત કોલેજ પાસેથી પસાર થતા સર્પાકાર બ્રિજ થઇ નવરંગપુરા રેલવે ક્રોસિંગ પછી આવેલા બુટાસિંગ મહાદેવ તરફના રોડનો આગામી તા.૩ ઓગસ્ટ ર૦૧૯ સુધી ઉપયોગ કરવાનો રહેશે.