મહાગઠબંધન મારા વિરુદ્ધ નહીં, ભારતની જનતા વિરુદ્ધ – PM
સેલવાસના સાયલી ખાતે આવેલી પીટીએસ ગ્રાઉન્ડ ખાતે મેડિકલ કોલેજના ખાતમુહૂર્ત તથા વિવિધ વિકાસના કામોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેજ પર આવતાં જ સભામાં હાજર લોકોએ મોદી મોદીના નારા લગાવ્યાં હતાં. દાનહ સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા વડાપ્રધાનને પરંપરાગત પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ પ્રમુખે પણ સ્વાગત કરતાં અનેક અટકળો વહેતી થઈ હતી. વડાપ્રધાને મહાગઠબંધન પર પ્રહારો કરતાં કહ્યું કે, કોંગ્રેસને ગાળો દેનારા હવે પોતાની જાતને બચાવવા એક થયા છે. જે મારા વિરુધ્ધ નહીં દેશ વિરુધ્ધ ગઠબંધન કરી રહ્યાં છે.
દાનહના પ્રશાસક પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની દાનહ પર વિશેષ લાગણી, સ્નેહ અને હૂંફ રહેલી છે જેના કારણે તેઓ બે વર્ષમાં ચોથીવાર આવ્યાં છે. આઝાદીના 70 વર્ષમાં સૌથી વધુ મુલાકાત નરેન્દ્ર મોદીએ લીધી છે. આદિવાસીઓને જમીનના હક આપવાનું કામ વડાપ્રધાન મોદીએ કર્યું છે. આ સિવાય ઉજ્જવલા સહિતની અનેક યોજનાઓ અને વિશેષ ભેટના કારણે દાનહનો વિકાસને ચાર ચાંદ લાગી ગયાં છે.