કુંભ: રામ મંદિર મુદ્દા પર VHPની ધર્મ સંસદ શરૂ, મોહન ભાગવત પણ પહોચ્યા
આજથી વિશ્વ હિન્દુ પરિષદની બે દિવસીય ધર્મસંસદ પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમાં શરૂ થવા જઈ રહી છે. ધર્મ સંસદ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ હાજર રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ આ ધર્મ સંસદમાં સામેલ થઈ શકે છે. અહીં તેમની મુલાકાત મોહન ભાગવત સાથે થઈ શકે છે. આ ઉપરાંત મુખ્યપ્રધાનની મુલાકાત પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સાથે પણ થઈ શકે છે.
આ પહેલા પ્રયાગરાજમાં સંતોએ જાહેરાત કરી હતી કે તેઓ અયોધ્યામાં ૨૧ ફેબ્રુઆરીથી રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દેશે. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે ત્રણ દિવસ સુધી ચાલેલી સંતોની ધર્મ સંસદમાં નિર્ણય લેવાયો કે ૨૧ ફેબ્રુઆરીએ મંદિરની આધારશિલા રાખવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ધરપકડ કે આ પ્રકારની અન્ય કોઈ કાર્યવાહીથી સંતોના આ અભિયાન પર કોઈ અસર નહીં પડે.
ઉલ્લેખનીય છે કે આના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આયોધ્યામાં વિવાદિત જમીન આસપાસની જગ્યાને રામ જન્મભૂમિ ન્યાસને સોંપવાની અરજી દાખલ કરી છે. આ અરજીમાં કેન્દ્ર સરકારે લગભગ અઢી દાયકા પહેલા અધિગ્રહિત કરેલી ૬૭ એકર જમીનને ન્યાસને પરત આપવાની માંગણી કરી છે. ૦.૩૧૩ એકર જમીન વિવાદિત છે.