પ્રયાગરાજ કુંભમાં ફરી લાગી આગ, માંડ-માંડ બચ્યા બિહારના રાજ્યપાલ લાલજી ટંડન
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમાં સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, અને તેમાં બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને માંડ માંડ બચાવવામાં આવ્યા છે. મંગળવારે મોડી રાતે લાલજી ટંડનના ટેન્ટમાં ભીષણ આગ લાગી હતી અને ટેન્ટ સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગયો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે મોડી રાતે અઢી વાગે લાલજી ટંડનના ટેન્ટમાં આગ લાગી હતી. જોકે ઘટનામાં તેમને તો કોઈ ઈજા નથી થઈ પરંતુ તેમનો મોબાઈલ, ચશ્મા, ઘડિયાળ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે. લાલજી ટંડનને રાતે સાડા ત્રણ વાગતા પ્રયાગરાજના સર્કિટ હાઉસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
આ પહેલાં પણ કુંભના મેળામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલાં જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નાથ સંપ્રદાયના શીબીર ક્ષેત્રમાં આગ લાગી હતી. આ આગમાં અંદાજે 2 ટેન્ટ સળગીને ખાખ થઈ ગયા હતા. જોકે કોઈ વ્યક્તિને કઈ નુકસાન નહતું થયું. આ સિવાય 15 જાન્યુઆરી 2019ના રોજ શરૂ થયેલા કુંભના મેળાના એક દિવસ પહેલાં જ દિગંબર અખાડાના ટેન્ટમાં આગ લાગી હતી. ત્યાં સિલિન્ડર ફાટવાના કારણે આ ઘટના થઈ હતી અને તેમાં 10 ટેન્ટ સળગીને ખાખ થઈ ગયા હતા. આ સિવાય પણ કુંભમાં ઘણી આગ લાગવાની ઘટના સામે આવી છે.
નોંધનિય છે કે, એક બાજુ રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત કુંભની સફળતા વિશે વાતો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ પ્રકારની ઘટનાઓ વાંરવાર સામે આવી રહી છે. આ સંજોગોમાં ફરી કુંભના મેળામાં સુરક્ષા વ્યવસ્થા, પ્રશાસન દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે.