વર્ષો જૂના કાલુપુર શાક માર્કેટને કરોડોના ખર્ચે બનાવાશે આધુનિક
સામાન્ય રીતે ઘર, ઓફિસ, બસ, ટ્રેન કે કોઇ પણ સ્થળે જ્યારે પણ શોરબકોરવાળો માહોલ કોઇક કારણસર થાય ત્યારે તે વખતે જાણે કે અહીંયાં શાકમાર્કેટ ભરાયું હોય તેવો ઉલ્લેખ જાણે-અજાણ્યે લોકોમાં થઇ જતો હોય છે, કેમ કે કોઇ પણ શહેરના શાકમાર્કેટમાં ઘોંઘાટ તો સ્વાભાવિક બાબત બની છે. શાકમાર્કેટની ઓળખ જ ઘોંઘાટ, ગંદકી, રખડતાં ઢોર થઇ છે. જો કે સ્માર્ટ સિટી અમદાવાદમાં આગામી દિવસોમાં શાકમાર્કેટનું ચિત્ર પૂર્ણપણે બદલાઇને સ્વચ્છ, સુવિધાપૂર્ણ અને શાંતિનું વાતાવરણ ધરાવતું હાઇજેનિક એવું આધુનિક શાકમાર્કેટ થવાનું છે. આની શરૂઆત દાયકાઓ જૂના કાલુપુર શાકમાર્કેટથી થવાની હોઇ ખાસ કરીને ગૃહિણીઓને નાક દબાવીને કાલોપુર શાકમાર્કેટમાં ખરીદવા ચાલવું નહીં પડે.
રાજ્ય સરકાર દ્વારા આજથી લગભગ છ દાયકા પહેલાં એટલે કે વર્ષ ૧૯૬૦માં કોટ વિસ્તારના નાગરિકો માટે કાલુપુર શાકમાર્કેટ બનાવાયું હતું. કાલુપુર શાકમાર્કેટની વર્ષોજૂની પ્રતિષ્ઠા હોઇ શહેરભરમાંથી લોકો શાક ખરીદવા રોજેરોજ ઊમટે છે, જોકે આ શાકમાર્કેટમાં અન્ય શાકમાર્કેટની જેમ વેપારીઓ કે ગ્રાહકોને રોડ પર વાહન પાર્ક કરવા પડતાં હોઇ ટ્રાફિક જામની સમસ્યા પણ હંમેશાં હોય છે, તેમાં ગંદકી, રખડતાં ઢોરનો ત્રાસ પણ પરેશાની વધારે છે.
જો કે હવે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશના પગલે મધ્ય ઝોનના સત્તાવાળાઓએ કાલુપુર શાકમાર્કેટની કાયાપલટ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. કાલુપુર શાકમાર્કેટમાં તંત્ર દ્વારા ‘ટોટલ સ્ટેશન સર્વે’ હેઠળ અત્યાર સુધીમાં વિવિધ પુરાવાના આધારે ૧૦૮ થડાને માન્ય કરાયા છે, જોકે કાલુપુર શાકમાર્કેટમાં પણ ગેરકાયદે થડાનું દૂષણ ફૂલ્યુંફાલ્યું છે. જે પ્રકારે હાલમાં તંત્રના સર્વેની કામગીરી ચાલી રહી છે તેને જોતાં વધુ ૧પ૦ થડા મળીને અંદાજે રપ૮ થડાને સત્તાધીશો માન્ય ઠરાવે તેવી શકયતા છે.