
ગુજરાતમાં ફરી એકવાર ખ્યાતિકાંડ જેવો જ ઓપરેશન કાંડ સામે આવ્યો છે. જી હા…જૂનાગઢની કે. જે. હોસ્પિટલે પીએમ જય કાર્ડને હથિયાર બનાવીને 76 દર્દીઓનાં ગેરકાયદે ઓપરેશન કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોગ્ય વિભાગની કોઈ પણ જાતની મંજૂરી વગર 76 દર્દીઓનાં ગેરકાયદેસર ઓપરેશન કરી દેવામાં આવ્યાં છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓનાં કારણ વગર ઓપરેશન કર્યાં હતાં એ જ મોડસ ઓપરેન્ડીને હથિયાર બનાવીને જૂનાગઢની કે. જે. હોસ્પિટલે 76 દર્દીઓનાં ગેરકાયદે ઓપરેશન કરવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું છે. આટલો મોટો કાંડ ખુલ્લો પડ્યો હોવા છતાં આરોગ્ય વિભાગે માત્ર સાડા બાર લાખ રૂપિયાનો દંડ કરીને હોસ્પિટલને બાઈજ્જત બરી કરી દીધી છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે જો જૂનાગઢની કે. જે. હોસ્પિટલ ફરીથી આવી ભૂલ કરશે તો હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવશે. શું આરોગ્ય વિભાગને 76 દર્દીઓનાં ગેરકાયદેસર ઓપેરશન મોટી ભૂલ નથી લાગતી? સૌથી મોટો સવાલ એ છે કે અમદાવાદમાં ખ્યાંતિ કાંડ થયો પછી આરોગ્ય વિભાગે મોટી મોટી ડંફાસો મારી હતી અને મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે હવે દરેક હોસ્પિટલમાંથી દરેક દર્દીની સીડી ગાંધીનગર મંગાવવામાં આવશે અને તે જોઈને નક્કી કરવામાં આવશે કે દર્દીને ઓપરેશન કરવાની જરૂર છે કે નહીં. જો રાજ્યના આરોગ્ય વિભાગે આવી ચકાસણી અમલમાં મૂકી હતી તો પછી આ કોની રહેમનજર હેઠળ જૂનાગઢમાં 76 દર્દીઓનાં ખોટાં ઓપરેશન થઈ ગયાં અને એ પણ આયુષ્માન યોજના હેઠળ. શું આયુષ્માન યોજના હોસ્પિટલો માટે પૈસા છાપવા માટેનું ATM કાર્ડ બની ગયું છે?
