આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જૂનાગઢના 21 વર્ષના યુવાને મેળવ્યો પ્રથમ ક્રમ
રાજ્ય સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા 34મી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો રવિવારે વહેલી સવારે પ્રારંભ થયો હતો. આ સ્પર્ધામાં જૂનાગઢના 21 વર્ષીય યુવાન અમિત રાઠોડે 58 મિનિટ અને 16 સેકન્ડમાં અંબાજી શિખર થઇ નીચે ઉતરી જઇ સિનિયર ભાઇઓના વિભાગમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
સાયરા ઇબ્રાહીમભાઇ કથુરીયાએ 40.10 મિનિટમા સ્પર્ધા પૂર્ણ કરી
જૂનીયર ભાઇઓમાં જૂનાગઢના પરમાર લાલા ચિમનભાઇએ 61 મિનિટ 43 સેકન્ડમાં તથા માળી પરબ સુધી જવાના બહેનોનાં સિનિયર વિભાગમાં મોરબી પોલીસમાં ફરજ બજાવતા ભૂત ભૂમિકાબેન દુર્લભજીભાઇએ 44 મિનિટ 8 સેકન્ડ અને જુનીયર વિભાગમાં કેશોદના ખીરસરા ગામના સાયરા ઇબ્રાહીમભાઇ કથુરીયાએ પણ 40 મિનિટ 10 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ વિજેતાનું બિરૂદ મેળવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રૂ.66000, મહાનગરપાલિકા દ્વારા રૂ.1 લાખના ઉપરાંત ધારાસભ્ય જવાહભાઇ ચાવડા દ્વારા કુલ રૂ. 26800ના પુરસ્કાર વિજેતાઓને આપવામાં આવ્યા હતા.
સ્પર્ધામાં 20 જિલ્લાના 1303 ભાઇ-બહેનોએ તેમની એન્ટ્રી નોંધાવી હતી. જેમાં આજે ભાઇઓના વિભાગમાં 740 અને 240 બહેનો મળી કુલ 980 સ્પર્ધકો જોડાયા હતા. જેમાંથી 196 બહેનોએ નિર્ધારીત દોઢ કલાક અને 518 ભાઇઓએ નિર્ધારીત બે કલાકમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી. બપોરે મંગલનાથજીની જગ્યામાં યોજાયેલા ઇનામ વિતરણ સમારંભમાં ચારેય વિભાગના પ્રથમ 10 એમ 40 વિજેતાઓને રૂ.1.66 લાખના રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી.