જમ્મુથી અચાનક જ ડ્રાઇવર વિના રવાના થઈ ગઈ માલગાડી:100ની સ્પીડે 83 કિમીની સફર કરી
પંજાબને અડીને આવેલા પઠાણકોટ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દમતાલથી દોડતી માલગાડી અચાનક 100 કિમીની ઝડપે દોડવા લાગી, આશ્ચર્યની વાત એ છે કે આ માલગાડીમાં કોઈ ડ્રાઈવર નહોતો. એટલે કે માલગાડી ડ્રાઇવર વિના પાટા પર દોડી રહી હતી, જેને ઘણા પ્રયત્નો પછી 83 કિલોમીટર દૂર ઉચી બસ્સી સ્ટેશને રોકી શકાઈ. ડ્રાઇવર વિના ચાલતી ગુડ્સ ટ્રેન વિશે લોકોને જાગૃત કરવા માટે, સ્ટેશન પર જાહેરાત કરીને ટ્રેક ખાલી કરવા અપીલ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચી બસ્સીમાં ચઢાણ હોવાથી ટ્રેનની ગતિ ધીમી થઈ ગઈ અને તે ત્યાં અટકી ગઈ, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
ફિરોઝપુર ડિવિઝનના એડીઆરએમ જેએસ ગુલેરિયાએ જણાવ્યું કે માલગાડીને રોકી દેવામાં આવી છે. જલંધર નજીક ઉચી બસ્સી ગામ પાસે ચઢાણ હોવાથી સ્પીડમાં દોડી રહેલી ટ્રેન જાતે જ અટકી ગઈ હતી. માલગાડી કઠુઆથી ડ્રાઈવર વિના જ ચાલવા લાગી હતી અને લગભગ 70 કિલોમીટરનું અંતર કાપીને ઉચી બસ્સી પહોંચી હતી.
આ ટ્રેન કઠુઆ રેલવે સ્ટેશન પર એક ઢાળ પર ઊભી રહી હતી, જે પોતાની જાતે જ આગળ વધવા લાગી. ત્યારે જ કઠુઆ રેલવે સ્ટેશન પ્રશાસનને ખબર પડી કે આ ટ્રેન રેડ સિગ્નલ વગર રવાના થઈ ગઈ છે. આ ટ્રેન કઠુઆ રેલવે સ્ટેશનથી થોડે દૂર એક ખુલ્લા ફાટક પરથી પસાર થઈ હતી, ત્યારબાદ રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ તરત જ જલંધર સુધીની આખી રેલવે લાઇન ખાલી કરાવી હતી. 53 કોચવાળી આ ટ્રેન પથ્થરોથી લદાયેલી હતી.
માલગાડી કઠુઆથી રવિવારે સવારે 7 વાગીને 13 મિનિટે લાઇન નંબર 3થી રવાના થઈ, મધુપુર પંજાબથી રેલવે સ્ટેશનથી તે 7: 24 વાગ્યે રવાના થઈ, 7:30 વાગ્યે તે સુજાનપુર રેલવે સ્ટેશન થઈને પસાર થઈ, તે પછી 7:33 વાગ્યે ભરૌલી રેલવે સ્ટેશન પહોંચી. 7: 36 વાગ્યે તે પઠાણકોટ રેલવે સ્ટેશનથી પસાર થઈને 7:47 સુધી કાંધરોરી રેલવે સ્ટેશન પર પહોંચી અને પછી 8:37 વાગ્યે તે ઉચી બસ્સી પર જઈને રોકાઈ.