શું 370 ફરી લાગુ થશે?:J&K વિધાનસભામાં પ્રસ્તાવ પાસ, BJP ધારાસભ્યોએ હોબાળો કર્યો
જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ રાજ્યના સ્પેશિયલ સ્ટેટસ (આર્ટિકલ 370)ને ફરીથી લાગુ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે, જોકે ભાજપના ધારાસભ્યોએ એનો વિરોધ કર્યો હતો અને પ્રસ્તાવની નકલો ફાડી નાખી હતી. ધારાસભ્યોએ વેલ નજીક જઈને નારેબાજી પણ કરી હતી.
ભાજપે આરોપ લગાવ્યો કે સ્પીકરે મંત્રીઓની બેઠક બોલાવી અને ઠરાવનો ડ્રાફ્ટ જાતે તૈયાર કર્યો. આ પછી ધારાસભ્યો બેન્ચ પર ચઢી ગયા અને હોબાળો કર્યો. હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી ગુરુવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
ભાજપ-અધ્યક્ષ સત શર્માના નેતૃત્વમાં પાર્ટી કાર્યકર્તાઓએ પાર્ટી કાર્યાલયમાં એકઠા થઈને જમ્મુ-કાશ્મીર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારોએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ડેપ્યુટી સીએમ સૂરીન્દર ચૌધરીનાં પૂતળાં પણ બાળ્યાં હતાં.
ભાજપે આરોપ લગાવ્યો કે નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોરી રહી છે અને કહ્યું હતું કે કોઈપણ વિધાનસભા કલમ 370 અને 35A પાછી લાવી શકે નહીં.
ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ સૂરીન્દર ચૌધરીએ સ્પેશિયલ સ્ટેટસ પુનઃસ્થાપિત કરવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો, જેને કેન્દ્ર દ્વારા 5 ઓગસ્ટ, 2019ના રોજ રદ કરવામાં આવ્યો હતો. એમાં કહેવામાં આવ્યું છે કે ‘રાજ્યનો વિશેષ દરજ્જો અને બંધારણીય ગેરંટી મહત્ત્વપૂર્ણ છે. એ જમ્મુ-કાશ્મીરના લોકોની ઓળખ, સંસ્કૃતિ અને અધિકારોનું રક્ષણ કરે છે. વિધાનસભા તેના એકપક્ષીય હટાવવા પર ચિંતા વ્યક્ત કરે છે.
ભારત સરકારે રાજ્યના સ્પેશિયલ સ્ટેટસને લઈને અહીંના પ્રતિનિધિઓ સાથે વાત કરવી જોઈએ. તેના બંધારણીય પુનઃસ્થાપન પર કામ કરવું જોઈએ. એસેમ્બ્લી એ વાત પર ભાર મૂકે છે કે આ પુનઃસ્થાપન રાષ્ટ્રીય એકતા અને જમ્મુ-કાશ્મીરના લોકોની ઈચ્છાઓ બંનેને ધ્યાનમાં રાખીને થવું જોઈએ. અપક્ષ ધારાસભ્યો શેખ ખુર્શીદ અને શબ્બીર કુલે, પીસી ચીફ સજ્જાદ લોન અને પીડીપી ધારાસભ્યોએ એને ટેકો આપ્યો હતો.