જમ્મુ-કાશ્મીર: રાજ્યપાલ શાસનના 6 મહીના બાદ હવે રાષ્ટ્રપતિ શાસન લાગૂ
કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસનના છ મહિના પુરા થયા બાદ હવે અડધી રાતથી રાષ્ટ્રપતિ શાસન લાગૂ થવા જઇ રહ્યું છે. રાજ્યપાલના રિપોર્ટ પર કેન્દ્ર સરકારે સોમવારે જ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી દીધી હતી. અધિકારીઓએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાના ભલામણવાળો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં 22 વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઇ રહ્યું છે. તેના પહેલા વર્ષ 1990થી ઓક્ટોબર 1996 સુધી જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન રહ્યું હતું.
રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયા બાદ રાજ્યપાલની તમામ વિધાયી શક્તિઓ સંસદની પાસે રહેશે. ત્યારબાદ કાયદો બનાવવાનો અધિકાર સંસદની પાસે હશે. નિયમાનુસાર રાષ્ટ્રપતિ શાસનમાં બજેટ પણ સંસદમાંથી જ પાસ થાય છે. આ કારણથી રાજ્યપાલ શાસનમાં જ લગભગ 89 હજાર કરોડ રૂપિયાનું બજેટ પાસ કરાવી લેવામાં આવ્યું હતું.
રાજ્યપાલ શાસનમાં કાયદો બનાવવો અને બજેટ પાસ કરાવવાનો અધિકાર રાજ્યપાલની પાસે હોય છે. રાષ્ટ્રપતિ શાસનમાં હવે રાજ્યપાલ પોતાના વિવેકથી નીતિગત અને સંવૈધાનિક નિર્ણય નહીં કરી શકે. તેના માટે તેમને કેન્દ્ર પાસેથી પરમિશન લેવી પડશે.તમને જણાવી દઇએ કે, વિધાનસભામાં 25 સભ્યોવાળી બીજેપી દ્વારા સમર્થન પાછું ખેચ્યા બાદ જૂનમાં મહેબૂબા મુફ્તીની સરકાર પડી ભાંગી હતી. ત્યારબાદ રાજ્ય રાજનૈતિક સંકટમાં ફસાઇ ગયા હતા. ત્યારબાદ રાજ્યપાલ શાસન લગાવી દેવામાં આવ્યું હતું. તેની સમય મર્યાદા 19 ડિસેમ્બરે પુરી થઇ રહી છે.
તે દરમિયાન ગત મહિને કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના સમર્થનથી પીડીપી અને સજ્જાદ લોને બીજેપીના સમર્થનથી સરકાર બનાવવાની કોશિશ કરી હતી. તેના પર રાજ્યપાલ સત્યપાલ મલિકે સરકારની પસંદગી માટે જોડ-તોડ અને સરકાર સ્થિર ન હોવાનો હવાલા આપતા 21 નવેમ્બરે વિધાનસભા ભંગ કરી દીધી હતી.