BATનો હુમલો નાકામ, ભારતીય સેનાએ ઠાર માર્યા 2 પાક. જવાન
ભારતીય સેનાએ રવિવારે નૌગામનાં સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT)ની ઘુસણખોરીનાં પ્રયાસમાં 2 પાકિસ્તાની સેનાનાં જવાનોને ઠાર કર્યા હતા. ભારત પાકિસ્તાન બોર્ડર પરનાં LOCના જંગલોનો ફાયદો ઉઠાવી બેટ ટીમનાં જવાનો હુમલાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ હુમલાનો ભારતીય સેનાએ જવાબ આપી બે જવાનોને ઠાર કરી મોટી સંખ્યામાં હથિયાર જપ્ત કર્યા હતા.
“બોર્ડર એક્શન ટીમ” આ ટીમ અંગેની જાણ પહેલી ઓગસ્ટ 2013ના રોજ ભારતીય સેનાને થઈ હતી. ત્યારે આ ટીમ એલઓસી પર પટ્રોલીંગ કરી રહેલી ભારતીય સેનાની ટુકડી પર હુમલો કર્યો હતો.
આ ઘૂસણખોરોની પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળ્યો છે. તેના પર પાકિસ્તાનનું નિશાન બનેલું છે. આ ઘૂસણખોરોએ પાકિસ્તાની સેના દ્વારા લડાઇ દરમ્યાન પહેરાતો ડ્રેસ પહેરેલો હતો. તેમાંથી કેટલાંક ઘૂસણખોરોએ ભારતના બીએસએફ અને ભારતીય સેનાના જૂના ડ્રેસના તર્જ પર વર્દી પહેરી રાખી હતી. સૂત્રોએ કહ્યું કે જ્યારે આ ઘૂસણખોરો ભારતીય સરહદમાં પ્રવેશ કરી રહ્યા હતા, તે સમયે તેમની મદદ માટે પાકિસ્તાનની તરફથી ભારે હથિયારો સાથે જોરદાર ગોળીબાર કરાયો હતો.
આ બધાની વચ્ચે સેનાએ કહ્યું કે તેઓ પાકિસ્તાનને કહેશે કે તેઓ આ ઘૂસણખોરોના મૃતદેહ પાછા લઇ જાય કારણ કે મૃતદેહો પરથી પ્રતીત થાય છે કે મૃતક લોકો પાકિસ્તાની સેનાના જવાન છે. પાકિસ્તાની ઘૂસણખોરો LoC પર આવેલા ગાઢ જંગલો અને પહાડી વિસ્તારોનો ફાયદો ઉઠાવી ભારતીય સરહદમાં પ્રવેશ કરવા માંગતા હતા. આ દરમ્યાન ભારતીય સેનાએ તમને ઠાર કર્યા. સેનાએ હજુ મૃત્યુ પામેલા ઘૂસણખોરોની કુલ સંખ્યાની પુષ્ટિ કરી નથી.