જમ્મુ કાશ્મીર – પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
જમ્મુ-કશ્મીરમાં રાજોરી જિલ્લાનાં નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. આ ચોથો દિવસ છે કે જ્યારે પાકિસ્તાને જમ્મુ-કશ્મીરમાં સીમા પર બનેલી પોસ્ટ પર ગોળીબારી કરી છે. ભારે ગોળીબારી થવાંને લઇને ડિસ્ટ્રીક્ટ કમિશ્નર રાજોરીએ સીમાથી લગભગ પાંચ કિ.મીનાં અંતરે આવનાર તમામ સ્કૂલ આજનાં દિવસ માટે બંધ કરી દેવામાં આવેલ છે. સેના પાકિસ્તાનને સતત સીમા પર જડબાતોડ જવાબ આપી રહી છે.
એસએસપી રાજોરી યૌગલ મંહસે જણાવ્યું કે, પાકિસ્તાને રાજોરીનાં કેરી અને પુખેરની સેક્ટરમાં સોમવારનાં રોજ સવારે ભારે ગોળીબાર કર્યો. જેનો આકરો જવાબ સીમા પર તૈનાત અમારા જવાનોએ આપ્યો. ભારે ગોળીબારીને જોતાં વિસ્તારની તમામ સ્કૂલો પણ આજે બંધ કરી દેવામાં આવેલ છે.
રવિવારનાં રોજ ત્રીજા દિવસે પણ પાકિસ્તાને સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાન સેનાએ પુંછ જિલ્લાનાં કરમારા વિસ્તારમાં ભારતીય ચોકીઓ અને રેજિડેંશિયલ વિસ્તારોને નિશાન બનાવીને ગોળીબારી કરી. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. આ દરમ્યાન કોઇને પણ જાનહાનિ થયાનાં સમાચાર સામે આવ્યાં નથી.