ઇસ્કોન બ્રિજ અકસ્માત:પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર વધુ સુનાવણી 9 ઓગસ્ટે, સરકારી વકીલે કહ્યું- આરોપી લોકો સાથે ઝઘડ્યા

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનાં મોત થયાં હતાં, જેમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. બાદમાં પ્રજ્ઞેશ પટેલે વકીલ મારફત અમદાવાદ જિલ્લા કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આજે જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રજ્ઞેશ પટેલના વકીલ જન ઉનવાલ તરફથી દલીલ કરવામાં આવી છે કે દીકરાને લોકો મારતા હોય તો પિતા છોડાવે જ. સરકારી વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે, ગાડીની અંદર બેઠેલા તથ્યના મિત્રો સાહેદ, 5 સીટર ગાડીમાં 6 લોકો બેઠા હતા. 60 કિમીની સ્પીડ લિમિટ છે ત્યાં 140 કિમીની સ્પીડે ગાડી ચલાવી હતી. થાર ગાડીના એક્સિડન્ટમાં લોકો મદદ કરવા ગયા હતા, એક લાશ ઉછળીને ગાડીના બોનેટ પર પડી હતી. તથ્યને ગાડીનો કાચ વાગ્યો છે, તેને કોઈએ માર માર્યો તેવી ફરિયાદ અપાઈ નથી. જો કે, જામીન અરજી પર વધુ સુનાવણી 9 ઓગસ્ટે હાથ ધરાશે તેવું કોર્ટે જાહેર કર્યું હતું.
તથ્યને માર મારતા હતા અને તેણે પિતાને જાણ કરી તેવી કોઈ વાત નથી. ફક્ત ડિફેન્સ ઉભો કરવા માટે કહ્યું છે. ગુજરી જનાર વિદ્યાર્થી, નોકરિયાત અને પોલીસ કર્મચારી હતા. પ્રજ્ઞેશ પટેલ લોકો સાથે ઝઘડ્યા, ગાળો બોલ્યા, ધમકી આપી તેવું સાહેદોએ નિવેદન આપ્યું છે. પત્નીને રિવોલ્વર કાઢવા કહ્યું હતું. જામીન આપવા પ્રાઈમાંફેસી કેસ છે. ધમકી ધમકી જ હોય તે ગંભીર કે ઓછી ગંભીર ન હોય. દીકરાને લઈ જવા પ્રજ્ઞેશે ધમકી આપી. 100 નંબર પર 69 સેકન્ડે ફોન લાગ્યો હતો, તેમાં વાત થઈ કે નહીં તે નક્કી નથી. હજી પણ તપાસ ચાલુ છે. તાત્કાલિક કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવાનું કારણ સાક્ષીઓને ફોડી કે ધમકી આપી શકે નહીં. કારણ કે, પિતા-પુત્ર બંને જેલમાં છે. 164ના નિવેદન પણ પહેલા લેવાઈ ગયા. પ્રજ્ઞેશ પટેલ સામેના ગુના કોર્ટ સમક્ષ રખાયા છે. કુલ 10 ગુના આરોપી સામે છે, 1 પાસાનો છે. વેજલપુર પોલીસ મથકે 2019નો ગુનો છે.
સરકારી વકીલ સાબિત કરી રહ્યા છે કે, તેઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. જેમાં સોલા પોલીસ મથકે જમીન બાબતે એક વ્યક્તિને ધમકી આપી રિવોલ્વર બતાવી, સોલામાં બીજા કેસમાં પણ જમીન બાબતે જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો, સોલામાં ફરિયાદીને રિવોલ્વર બતાવવાનો ગુનો, પ્રોહેબિશનનો ગુનો, સરખેજ પોલીસ મથકે ધમકી આપવાનો ગુનો, જમીનને લગતો ગુનો, DCBમાં પણ 507 કલમ અંતર્ગત ગુનો, મહિલા પોલીસ મથકનો ગુનો, મહેસાણા પોલીસ મથકે જાનથી મારી નાખવાનો ગુનો અને રાણીપ પોલીસ મથકે પ્રિઝનર એક્ટનો ગુનાનો સમાવેશ થાય છે.થારનો અકસ્માત, ગાંધીનગરના મંદિરમાં ગાડી ઘૂસાડી, પિતાની ફરજ નિભાવી પુત્રને હોસ્પિટલ લઈ ગયા પણ ઘટનાસ્થળે 9 લાશ અને 10 લોકો ઘાયલ પડ્યા હતા, તેની માફી પણ ન માગી.