પ્રથમ વખત ભારતમાં યોજાશે આંતરરાષ્ટ્રીય ડ્રોન ઓલિમ્પિક્સ
ભારતમાં પહેલી વાર આંતરરાષ્ટ્રીય સ્તરનો ડ્રોન ઓલિમ્પિક્સ યોજાવા જઇ રહ્યો છે. આવતા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં એરો ઇન્ડિયા દરમિયાન ડ્રોન ઓલિમ્પિકસ યોજાશે, જેમાં ડ્રોન બનાવનારી દેશીથી લઇને વિદેશી કંપનીઓ ભાગ લેશે. એરો ઇન્ડિયા-ર૦૧૯ બેંગલુરુમાં યોજાશે અને આ દરમિયાન ર૧ ફેબ્રુઆરીના રોજ ડ્રોન ઓલિમ્પિક્સ પણ થશે, એનાથી આપણા દેશમાં ડ્રોન સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળશે.
આપણી સેનાને વિદેશી ડ્રોનની ક્ષમતાઓ જાણવાનો મોકો પણ મળશે. ડ્રોન ઓલિમ્પિક્સ કોમ્પિટિશનને બે અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. એક કેટેગરીમાં ચાર કિલો વજનનાં ડ્રોન અને બીજી કેટેગરીમાં ચાર કિલોથી વધુ વજનનાં ડ્રોન રાખવામાં આવ્યાં છે.
ડ્રોન ઓલિમ્પિક્સમાં ત્રણ કોમ્પિટિશન હશે. પહેલી સર્વેલન્સ ચેલેન્જ, જેમાં ડ્રોનની સર્વેલન્સ ક્ષમતાને પારખવામાં આવશે કે કયું ડ્રોન કેટલું બહેતર છે. બીજી કોમ્પિટિશન સપ્લાય ડ્રોન ચેલેન્જ અને ત્રીજી ફોર્મેશન ફલાઇંગ ચેલેન્જની હશે. એક જ પ્રકારનાં ડ્રોન એકસાથે કેટલા ફોર્મેશનમાં ઉડાન ભરી શકે છે. ત્રણેય તબક્કામાં જીતનારને કુલ રૂ.૩૮ લાખનું ઇનામ મેડલ સાથે આપવામાં આવશે.