યુપી: કુશીનગરમાં વાયુસેનાનું જેગુઆર ક્રેશ, પાયલટે પેરાશૂટની મદદથી બચાવ્યો જીવ
ઉત્તરપ્રદેશના કુશીનગરમાં સોમવારે બપોરે વાયુસેનાનું એક લડાકુ વિમાન જેગુઆર ક્રેશ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિમાને ઉડાન ભર્યાના થોડીવારમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં પાયલટનો બચાવ થયો છે. આ વિમાન કુશીનગરના ગ્રામીણ વિસ્તારના ખેતરમાં જઈને પડ્યું છે. આ વિમાન ખેતરમાં પડતાં જ ગામના લોકોની ભીડ ત્યાં ભેગી થઈ ગઈ હતી.
આ જેગુઆર વિમાને ગોરખપુરના એરબેઝથી ઉડાન ભરી હતી. પ્લેન ક્રેશ થતાં પહેલાં પાયલટે સુઝ-બુઝથી પોતાનો જીવ બચાવી લીધો હતો. પ્લેન ક્રેશ થતાં પહેલાં પાયલટને બહાર નીકળવામાં સફળતા મળી હતી. પાયલટે પણ સમઝ વાપરીને વિમાનને વસ્તીથી દૂર લઈ ગયો હતો જેથી સામાન્ય વ્યક્તિને કોઈ નૂકસાન ન થાય. વાયુસેના તરફથી આ ઘટનામાં કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ વિમાને રુટિન ટ્રેનિંગ માટે જ ઉડાન ભરી હતી અને તેની 10-15 મિનિટમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ ઘટના પછી વાયુસેના તરફથી સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. બે હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે ગુજરાતના કચ્છમાં પણ લડાકુ વિમાન જેગુઆર ક્રશ થયું હતું. જૂન 2018માં થયેલી આ ઘટનામાં પાયલટ સંજય ચૌહાણ શહીદ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, વાયુસેનામાં જેગુઆર ખૂબ મહત્વનું લડાકુ વિમાન માનવામાં આવે છે. તે દુશ્મનની સીમામાં ખૂબ અંદર સુધી ઘુસીને હુમલો કરી શકે છે. લડાકુ વિમાન જેગુઆરની મદદથી સરળતાથી દુશ્મનોના કેમ્પ, એરબેઝ અને વોરશિપ્સને ટાર્ગેટ કરી શકાય છે.