મેલબર્નમાં 37 વર્ષ બાદ 137 રનથી જીત્યુ ભારત
મેલબર્નમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઐતિહાસિક જીત મેળવી લીધી છે. ભારતે ઑસ્ટ્રેલિયાને 137 રને હરાવી દીધું છે. ઑસ્ટ્રેલિયાની અંતિમ વિકેટ ઈશાંત શર્માએ લીધી. ઈશાંતે નાથ લૉયનને વિકેટ પાછળ ઋષભ પંતનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પાંચમાં દિવસનાં બીજા સત્રમાં જસપ્રીત બુમરાહએ પૈટ કમિન્સની વિકેટ લઇને ભારતને જીતની નજીક લાવી દીધું હતુ. બુમરાહે કમિન્સને સ્લિપ પર ચેતેશ્વર પુજારાનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
આ જીત સાથે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતે ઑસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં 2-1થી સરસાઇ મેળવી લીધી છે. ભારતે 37 વર્ષ પછી મેલબર્નમાં કોઇ ટેસ્ટ જીતી છે. છેલ્લે ભારતને 1981માં ઑસ્ટ્રેલિયા સામે મેલબર્નમાં જીત મળી હતી. આ સીરીઝમાં ભારતની આ બીજી જીત છે. આ પહેલા ભારતે એડિલેડ ટેસ્ટ 31 રનોથી જીતી હતી. ઑસ્ટ્રેલિયાઈ ધરતી પર ભારતને 7મી જીત મળી છે. ભારતે પોતાની બીજી ઇનિંગનાં આધાર પર ઑસ્ટ્રેલિયાને 399 રનોનું લક્ષ્ય આપ્યું હતુ, જેની સામે ઑસ્ટ્રેલિયા 261 રનો પર ઑલઆઉટ થઈ ગયું હતુ. ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં પૈટ કમિન્સે 63 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શૉન માર્શે 44 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતુ.
ભારત તરફથી આ ઇનિંગમાં જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી અને ઈશાંત શર્માને 2-2 વિકેટ મળી હતી. ઑસ્ટ્રેલિયા સામે સીરીઝની અંતિમ ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીનાં રોજ સીડનીમાં રમાશે.