ઓસ્ટ્રેલિયા બાદ ન્યુઝીલેન્ડ પણ ફતેહ, 10 વર્ષ બાદ કીવિયોથી જીતી વનડે સીરીજ
ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર દ્વિપક્ષીય વનડે સિરીઝ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડમાં પણ કિવીઓ સામે 10 વર્ષ બાદ બાઈલેટ્રલ વનડે સિરીઝ પોતાના નામે કરી છે અને 3-0થી લીડ હાંસલ કરી છે. માઉંટ માઉંગાનુઈમાં રમાયેલા ત્રીજા વનડે મેચમાં 7 વિકેટથી જીત પ્રાપ્ત કરી ભારતીય ક્રિકેટ ટીમે આ કારનામો કર્યો છે. જ્યારે આ પહેલા ભારતે ન્યુઝીલેન્ડમાં કિવીઓ સામે છેલ્લી વન ડે સિરીઝ 2009માં જીતી હતી.
2009 બાદ કીવિઓની ધરતી પર ભારતની આ બીજી બાઇલેટ્રલ વનડે સિરીઝની જીત છે. તમને બતાવી દઈએ કે ભારતે આ સિરીઝ જીત સાથે 2014માં ન્યુઝીલેન્ડની ભૂમિ પર થયેલી વનડે સિરીઝની હારનો બદલો લીધો છે. જ્યારે બ્રેંડન મેક્કુલમની કેપ્ટનશિપ હેઠળ ન્યુઝીલેન્ડ ટીમે એમ.એસ.ધોનીની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાને 4-0થી હરાવી હતી. ત્યારે ટીમ ઈન્ડિયા 2014ની આ વનડે સિરીઝમાં એક ટાઈ સમેત બધા મેચમાં હારી હતી.
ભારતે કિવીઓની સામે તેમની ધરતી પર 37 વનડેમાંથી 13 મેચ જીતી લીધા છે. જ્યારે 21માં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ટાઈ રહી જ્યારે 2 મેચોનું કોઈ પરિણામ આવ્યું નહોતું. નોંધનીય છે કે ન્યુઝીલેન્ડની ધરતી પર ભારત 1976થી રમી રહ્યું છે. ન્યુઝીલેન્ડમાં ભારતની આ 8મી દ્વિપક્ષીય વનડે સિરીઝ છે. ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતે હવે 2 દ્વિપક્ષીય વનડે સિરીઝ જીતી લીધી છે. જ્યારે 4 સિરીઝ ગુમાવી છે અને 2 સિરીઝ ડ્રો રહી છે.
ન્યુઝીલેન્ડમાં રમાયેલી વનડે સિરીઝમાં ભારતનો રેકોર્ડ-
1. 1975-76: ન્યુઝીલેન્ડ 2-0(2)થી જીત
2. 1980-81: ન્યુઝીલેન્ડ 2-0(2)થી જીત
3. 1993-94: ડ્રો 2-2(4)
4. 1998-99: ડ્રો 2-2(5)
5. 2002-03: ન્યુઝીલેન્ડ 5-2(7)થી જીત
6. 2008-09: ભારત 3-1(5)થી જીત
7. 2013-14: ન્યુઝીલેન્ડ 4-0(5)થી જીત
8. 2018-19: ભારત 3-0(5)થી જીત
આજની મેચમાં રોહિત શર્મા(62) અને વિરાટ કોહલી(60)ના અર્ધશતકોથી ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું છે. ટોસ જીતીને ન્યુઝીલેન્ડ ટીમે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યુ હતું અને 49 ઓવરમાં 243 રન બનાવી ઓલ આઉટ થયી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાને સિરીઝ જીત માટે માત્ર 244 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી રોસ ટેલરે 93 રનની શાનદાર પારી રમી હતી. જ્યારે ટોમ લાથમે 51 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 3 વિકેટ લીધા હતા.
ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધા હતા. ભારતે આ લક્ષ્ય માત્ર 3 વિકેટ ગુમાવીને 43માં ઓવરમાં ચેઝ કરી લીધો અને 7 વિકેટે મેચ અને સિરીઝ પોતાના નામે કરી છે. ભારત પાંચ મેચોની વનડે સિરીઝમાં 3-0થી લીડ લીધી છે. મોહમ્મદ શમીને ‘મેન ઓફ દ મેચ’નો એવોર્ડ મળ્યો છે.