રામ મંદિર પર VHPનો મોટો નિર્ણય, લોકસભા ચૂંટણી સુધી નહીં ઉઠાવે મુદ્દો
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર વિશ્વ હિન્દુ પરિષદે મોટો નિર્ણય લીધો છે. વીએચપીએ રામ મંદિર નિર્માણ અભિયાનને ચાર મહિના સુધી રોકી દીધુ છે. વિશ્વ હિંદુ પરિષદે જણાવ્યું છે કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે તેણે પોતાનું અભિયાન સામાન્ય ચૂંટણીઓની સમાપ્તિ સુધી અટકાવી દીધું છે, કારણ કે તેઓ એવું ઇચ્છતા નથી કે રામમંદિર નિર્માણનો મુદ્દો કોઇ ચૂંટણી મુદ્દો બનાવે.
પ્રયાગરાજમાં વિહિપ દ્વારા તાજેતરમાં આયોજિત ધર્મસભાના કેટલાક દિવસ બાદ સંગઠને આ અંગે જાહેરાત કરી છે. ધર્મસભામાં એવો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હતો કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સુધી હિંદુઓ ચેનથી બેસશે નહીં અને બીજાને ચેનથી બેસવા દેશે નહીં.
ઉલ્લેખનીય છે કે VHP રામજન્મભૂમિ આંદોલનનું નેતૃત્વ કરી રહી છે. વીએચપીના આંતરરાષ્ટ્રીય સંયુકત મહામંત્રી સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે વિહિપે સામાન્ય ચૂંટણીઓ સમાપ્ત થાય ત્યાં સુધી અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિરના નિર્માણ માટે પોતાનું અભિયાન અટકાવી દેવાનો નિર્ણય કર્યો છે, કારણ કે સંગઠન એવું ઇચ્છતું નથી કે કોઇ તેને ચૂંટણી મુદ્દો બનાવે.
જૈને વધુમાં જણાવ્યું હતું કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે વિહિપ કટિબદ્ધ છે અને નવી સરકાર રચાયા બાદ આગળની રણનીતિ નક્કી કરશે. છેલ્લા કેટલાક મહિનાથી દેશભરમાં અભિયાન ચલાવીને વિહિપ એવી માગણી કરી રહી છે કે અયોધ્યામાં વિવાદિત સ્થળે રામમંદિરના નિર્માણ માટે માર્ગ મોકળો કરવા સંસદમાં ખાસ કાયદો ઘડવામાં આવે.