મૌસમી ચેટર્જી ભાજપમાં સામેલ થયા ,2004માં કોંગ્રેસમાંથી લડી હતી ચૂંટણી
જાણીતી અભિનેત્રી મૌસમી ચેટર્જી ગત દિવસે બીજેપીમાં સામેલ થઈ ગઈ છે. ૭૦ વર્ષીય અભિનેત્રી ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય સહિત વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીમાં સામેલ થઈ. વિજયવર્ગીય પશ્ચિમ બંગાળ માટે પાર્ટીના પ્રભારી પણ છે.
ભાજપમાં સામેલ થતા પહેલા મૌસમી ચેટર્જીએ ભાજપના ઘણા મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. મૌસમી ચેટર્જીએ ૨૦૦૪ બાદ ફરી વખત સક્રિય રાજકારણમાં એન્ટ્રી કરી છે. મૌસમી ચેટર્જીએ કોલકાતા ઉત્તર-પૂર્વ સીટથી કોંગ્રેસની ટિકિટ પર ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તે હારી ગયા હતા.
મૌસમી ચેટર્જીનો જન્મ ૨૬ એપ્રિલ, ૧૯૪૮ના રોજ કોલકાતામાં થયો હતો. મૌસમી ચેટર્જી જેટલી નાની ઉંમરમાં ફિલ્મોમાં આવી એટલી જ નાની ઉંમરમાં તેના લગ્ન થઈ ગયા હતા. ૧૮ વર્ષની ઉંમરમાં દીકરીને જન્મ આપ્યા બાદ મૌસમી ચેટર્જીએ ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. ૧૯ વર્ષની ઉંમરમાં તેમણે બંગાળી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.
બંગાળી બાદ બોલિવૂડમાં આવ્યા અને પોતાના જબરદસ્ત પર્ફોર્મન્સથી દર્શકોનું દિલ જીતી લીધું. મૌસમી ચેટર્જીએ સંજીવકુમાર, જીતેન્દ્ર, રાજેશ ખન્ના, શશી કપૂર, અમિતાભ બચ્ચન જેવા અભિનેતાઓ સાથે કામ કર્યું, પરંતુ વિનોદ મહેરા સાથે તેની જોડી સૌથી વધુ પસંદ કરાઈ.