દેશવિદેશ

કોઇ યુદ્ધ નથી થઇ રહ્યું તો સીમા પર શહીદ કેમ થઇ રહ્યા છે જવાન- મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારને ચોતરફથી ઘેરવાનું શરૂ કર્યું છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે હાલના સમયમાં સેનાના જવાનોની શહાદત અંગે સવાલો ઉઠાવીને સરકારને ઘેરી છે. તેમણે જણાવ્યું કે હાલના આ સમયમાં જ્યારે કોઈ સાથે યુદ્ધ જ નથી થઈ રહ્યું તો પછી સરહદ પર સૈનિકો સતત શહીદ કેમ થઈ રહ્યા છે? સંઘ સુપ્રીમોએ તેનું કારણ પણ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે આવું એ માટે થઈ રહ્યું છે કેમ કે આપણે આપણું કામ યોગ્ય રીતે કરી રહ્યા નથી.

મોહન ભાગવતે નાગપુરમાં પ્રહર સમાજ જાગૃતિ સંસ્થાના રજતજયંતી કાર્યક્રમમાં આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે સીધું નામ લીધા વિના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ હુમલો કર્યો હતો. ભાગવતે જણાવ્યું કે દેશના ટુકડા થશે એવું કહેનારાઓનું સમર્થન કરનારા લોકો પણ છે. હાલમાં જ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) લાગેલા દેશ વિરોધી નારાઓના કેસમાં દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે જેએનયુમાં વિવાદ થયા બાદ રાહુલ ગાંધી ત્યાં ગયા હતા અને તેનો ઉગ્ર વિરોધ પણ થયો હતો.

ભાગવતે કહ્યું કે જ્યારે દેશને અંગ્રેજોથી આઝાદી નહોતી મળી ત્યારે વતનની સ્વતંત્રતા માટે જાન કુરબાન કરવાનો સમય હતો. આઝાદી બાદ પણ જ્યારે કોઈ યુદ્ધ થયું ત્યારે સરહદ પર દુશ્મનો સાથે લડતા સૈનિકો પોતાના જીવની બાજી લગાવતા હોય છે. હાલના સમયમાં જ્યારે આપણા દેશમાં કોઈ યુદ્ધ જ નથી થઈ રહ્યું તો પણ સૈનિકો સતત શહીદ થઈ રહ્યા છે. તેમણે આહ્વાન કર્યું કે જવાનોની આ પ્રકારની શહાદતને રોકવા અને દેશને મહાન બનાવવા માટે ખાસ પગલાં ભરવાં જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં આતંકના સફાયા માટે મોદી સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે સંઘ પ્રમુખનું આ નિવેદન ઘણું મહત્ત્વનું બની રહે છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button