જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષાના કારણે ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. હિમાચલના શિમલા, મનાલી, કિન્નૌક અને ડલહૌજી સહિત ઘણાં વિસ્તારોમાં રવિવારે ભારે બરફવર્ષા થઈ હતી. બીજી બાજુ જમ્મુમાં વૈષ્ણવદેવી મંદિરના પહાડો ઉપર પણ ભારે બરફવર્ષા થઈ હતી. ઉત્તરાખંડમા મસૂરીના ઘનૌટી અને સુરકંડા વિસ્તારોમાં રવિવારે બરફવર્ષા થઈ હતી અને જે સોમવારે પણ ચાલુ હતી.
દિલ્હીમાં રવિવારે થયેલા વરસાદ પછી સોમવારે ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. તેના કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી જનારી મોટાભાગની ફ્લાઈટ લેટ ઉડાન ભરી રહી છે. આ ઉપરાંત દિલ્હીથી પસાર થતી 13 ટ્રેન પણ લેટ ચાલી રહી છે.
સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે અમુક વિસ્તારોમાં વરસાદ અને સ્નોફોલ થયો હતો. ઉધમસિંહ નગર, હરિદ્વાર, હેમકુંડ સાહેબ અને ઔલીમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. રવિવારે મસૂરીમાં લઘુત્તમ તાપમાન 3.6 ડિગ્રી, ઉત્તરકાશીમાં 3 ડિગ્રી, અલમોડામાં 2.3 ડિગ્રી અને મુત્કેશ્વરમાં 3.1 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. રાજ્યમાં પિથૌરાગઢમાં તાપમાન 1.4 ડિગ્રી તાપમાન નોંધવામા આવ્યું હતું. વિઝિબિલિટી ઓછી હોવાના કારણે યમુનોત્રી અને ગંગોત્રી હાઈવે પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે.