ભારે હીમવર્ષાના કારણે લોકો પરેશાન, જન જીવન અસ્તવ્યસ્ત
સતત થઇ રહેલી બરફવર્ષાથી હિન્દુસ્તાનના ત્રણ રાજ્ય બર્ફીસ્તાન બની ગયા છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાએ જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હિમાચલ પ્રદેશમાં જ્યાં એકબાજુ પર્યટકો બરફવર્ષાથી ફૂલ્યા સમાતા નથી તો બીજી તરફ રસ્તો જામ થવાથી તેમની ખુશીઓ ઘટી છે.
જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં એવી કોઈ જગ્યા બચી નથી જ્યાં બરફવર્ષા ન થઈ હોય. બરફવર્ષાના કારણે દેશના મોટા ભાગના મેદાન વિસ્તારોમાં ઠંડકનો જબરદસ્ત માર પડતા લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
જમ્મુ અને હિમાચલમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી સતત બરફવર્ષા થઈ રહી છે. કાશ્મીર ઘાટીએ બરફની સફેદ ચાદર ઓઢી લીધી છે. પહેલગામમાં માઈનસ ૧૩, લેહમાં માઈનસ ૧૨ ગુલબર્ગમાં માઈનસ ૧૧, શ્રીનગરમાં માઈનસ ૪ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાયું છે.
જમ્મુ-કાશ્મીરના બડગામમા એટલો બરફ પડ્યો કે રસ્તો પણ દેખાતો નથી. ૨૭ જૂન, ૨૦૧૩ના રોજ અહીં શરૂ થયેલી બડગામ-બારામુલ્લા ટ્રેનના ૧૩૫ કિ.મી.ના સફરમાં ૧૭ રેલવે સ્ટેશનોને કવર કરવાના કારણે યાત્રીઓ માટે લાઈફ લાઈન સાબિત થઈ રહી છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ પારો શૂન્યથી નીચે ચાલ્યો ગયો છે. બરફ વર્ષાના કારણે વાહનો પર બરફ જામી ગયો છે.