સુપ્રીમ કોર્ટમા રામ મંદિર વિવાદ કેસની સુનાવણીથી કેમ હટી ગયા જજ ઉદય યૂ લલિત?
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા બંધારણીય પીઠ અને જસ્ટિસ યૂ.યૂ સામે સવાલ ઉભા કર્યા હતા. ત્યારપછી હવે આ કેસની સુનાવણી 29 જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે. હવે પાંચ જજની બેન્ચમાં જસ્ટિસ યૂ.યૂ લલિત સામેલ નહીં થાય અને નવી બેન્ચનું ગઠન કરવામાં આવશે. જસ્ટિસ યૂ.યૂ લલિતે પણ તેમને આ કેસથી દૂર રાખવાની માંગણી કરી છે.
સુનાવણી શરૂ થતાં જ પાંચ જજની બેન્ચે કહ્યું હતું કે, આ કેસની આજે સુનાવણી કરવામાં આવશે નહીં, માત્ર ટાઈમલાઈન જ નક્કી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, આજે અમે આ કેસ વિશે સુનાવણી નહીં કરીએ પરંતુ માત્ર તેની સમય મર્યાદા નક્કી કરીશું. આ કેસ સાથે જોડાયેલા 18836 પેજના દસ્તાવેજ છે. જ્યારે હાઈકોર્ટનો નિર્ણય 4,304 પેજનો છે. જે મુળ દસ્તાવેજ છે તે અરબી, ફારસી, સંસ્કૃત, ઉર્દુ અને ગુરમુખીમાં લખેલા છે. વકીલોએ કહ્યું કે, ટ્રાન્સલેશનની પુષ્ટી થવી જોઈએ.
ચર્ચા દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે, બેન્ચમાં સામેલ જસ્ટિસ યૂ.યૂ. લલિત 1994માં કલ્યાણ સિંહ તરફથી કોર્ટમાં રજૂ થયા હતા. આ ઉપરાંત તેમણે બેન્ચમાં યૂ.યૂ. લલિત સામેલ હોવા બાબતે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. ત્યારે ચીફ જસ્ટિસ ગોગોઈએ તેમને એવું પણ કહ્યું કે, તમે વિરોધ કેમ વ્યક્ત કરી રહ્યાં છો. તમે માત્ર તથ્યોને સામે મૂક્યા છે. જોકે યુપી સરકારના હરીશ સાલ્વેએ કહ્યું હતું કે, જસ્ટિસ યૂ.યૂ. લલિતના બેન્ચમાં સામેલ થવાથી તેમને કોઈ તકલીફ નથી. પરંતુ આ પ્રમાણેનો વિવાદ થયા પછી જસ્ટિસ યૂ-યૂ લલિતે જાતે જ તેમને આ કેસથી દૂર રાખવાની ભલામણ કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ વિશે માહિતી આપી હતી.