અમદાવાદ: 18 દિવસમાં સ્વાઇનફ્લૂના 405 કેસ, 11ના મોત
અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લૂથી છેલ્લા બે માસમાં કુલ 618 કેસ નોંધાયા છે અને 14 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. માત્ર ફેબ્રુઆરીમાં જ સ્વાઇન ફ્લૂના 405 કેસ નોંધાયા અને 11 વ્યક્તિના મોત નિપજ્યાં છે. જ્યાં એસ.વી.પી. હોસ્પિટલમાં અંતે 25 બેડનો સ્વાઇન ફ્લૂ માટેનો ખાસ વોર્ડ શરૂ કરવો પડ્યો છે. ત્રણ દિવસથી સ્વાઇન ફ્લૂનો વોર્ડ શરૂ થવા છતાં એકપણ પેશન્ટ આવ્યો નથી. શહેરના હેલ્થ વિભાગનો દાવો છે કે, લોકજાગૃતિ માટે લાખોનો ખર્ચ થયો છે. શહેરના હેલ્થ વિભાગે સોમવારે સ્વાઇન ફ્લૂના જાહેર કરેલા આકડાં મુજબ વધુ બે વ્યક્તિના મોત સાથે મૃત્યુ આંક 14 થયો છે. જે પૈકી વાસણાની 17 વર્ષની કિશોરીનું જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે સાબરમતીના 58 વર્ષીય આધેડનું એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
હેલ્થ વિભાગનો દાવો છે કે, સ્વાઇન ફ્લૂને અટકાવવા માટે પ્રિકોશન મહત્વનું છે. જે ટ્યૂશન ક્લાસ, ધાર્મિક સ્થળો, મોલ, થિયેટર સહિતની જગ્યાએ પોસ્ટરો લગાવાયા છે, અને શહેરમાં હોર્ડિંગ્સ પણ લગાવામાં આવ્યા છે. પાંચ લાખ પત્રિકાનું વિતરણ પણ કરીને સ્વાઇન ફ્લૂથી બચવા શું કરવું અને ફ્લૂને ફેલાતો રોકવા માટે શું કરવું તેવી માહિતી આપવામાં આવી છે.