સુરતમાં બે કલાકમાં વરસ્યો 2 ઇંચ વરસાદ, વૃક્ષ ધરાશાયી
ગુજરાતમાં વરસાદની ભારે આગાહી બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માજા મૂકી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં માત્ર બે કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેનાં પગલે નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે સુરત સિટીમાં પણ બે કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે સુરતના કૈલાસનગરમાં કદાવર વૃક્ષ ધરાશાયી થતાં ત્રણ કાર દટાઈ ગઈ હતી.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 4 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ઓલપાડ સાયણ રોડ પર પાણી ભરાયા હતા તો, ઓલપાડ હાથીસા રોડ પર પણ પાણી ભરાઈ ગયા હતા. ઓલપાડ, સાયણ સહિતના ગામોમાં નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઓલપાડના મુખ્ય બજારમાં નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાથી અનેક લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. પાણી ભરાવવાને કારણે વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી.
સુરતમાં ધોધમાર વરસાદના પગલે કૈલાસ નગર ખાતે મોટું વૃક્ષ ધરાશાયી થયું છે. જેમાં ત્રણ કાર દટાઇ હોવાની માહિતી મળી રહી છે. કારમાં બેસેલા લોકોને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સદનસિબે કોઇ મોટી જાનહાનિ થઇ નથી. ભારે વરસાદના કારણે સુરતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેને લઈને વાહનચાલકોએ પરેશાની વેઠવી પડી રહી છે.