રાજકોટમાં પિતા વિહોણી 22 દીકરીઓના લગ્ન, લાખોનું કરાયું કરિયાવર
રાજકોટના જામનગર રોડ પર આવેલા ગ્રીન લીફ પાર્ટી પ્લોટ ખાતે રવિવારે ‘દિકરાનું ઘર વૃદ્ધાશ્રમ’ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર 22 દીકરીઓના લગ્ન યોજાયા હતા. આ 22 દીકરીઓને ત્રણ-ત્રણ લાખનો કરિયાવર તેમજ દરેકને રૂ. 51,000ની FD પણ આપવામાં આવી હતી. એટલું જ નહીં ટુર કંપની દ્વારા આ તમામ કપલને ગોવામાં હનીમુન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગત દિવસે કાલાવડ રોડ પર આવેલા અવસર પાર્ટી પ્લોટ ખાતે ગણપતિજીની સ્થાપના, મંડપ મુહૂર્ત અને મહેંદી રસમ યોજાઇ હતી. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલથી લગ્ન સ્થળ સુધી બે બસમાં જાન પરિવારને એસ્કોર્ટ કરતા લગ્નસ્થળ સુધી લઈ જવામા આવ્યા હતા. આ માટે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલથી કોટેચા ચોક સુધી રંગોળી બનાવવામાં આવી હતી. લગ્ન સ્થળે વર-વધૂ માટે બે વિન્ટેજ કાર અને 6 બગીઓ તૈનાત રાખવામાં આવી હતી.
સામાન્ય રીતે એક લગ્ન કરવા હોય તો પણ અનેક પ્રકારની તૈયારી કરવી પડતી હોય છે. ત્યારે 22 દીકરીઓના સમૂહ લગ્નઉત્સવનો ઉમદા વિચાર લાવનાર સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટને અનેક સામાજીક અગ્રણીઓનો સહયોગ મળ્યો હતો. જેને લઈને અંતે રૂડો અવસર રાજકોટના આંગણે આવ્યો હતો. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ‘દીકરાનું ઘર’ ઢોલરા દ્વારા સુરતમાં સવાણી ગ્રુપ દ્વારા યોજાતા સમૂહ લગ્નમાંથી પ્રેરણા લઈને જરૂરિયાતમંદ 22 દીકરીઓના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેને સફળ બનાવવા 150થી વધુ લોકોની ટીમ દ્વારા છેલ્લા 4 મહિનાથી તૈયારીઓ પણ કરવામાં આવતી હતી.