કેરળના સબરીમાલામાં આ બે મહિલાઓએ કર્યો પ્રવેશ
કેરળના સબરીમાલા મંદિરમાં બુધવારે ભારે વિરોધની વચ્ચે 50 વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાઓએ પ્રવેશ કરીને ઈતિહાસ રચી દીધો છે. આ બંને મહિલાઓએ 800 વર્ષ જૂની પરંપરા તોડી દીધી છે. જોકે હવે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરના શુદ્ધીકરણ માટે મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે.માનવામાં આવે છે કે, બિંદુ અને કનકદુર્ગા નામની બે મહિલાઓએ અડધી રાતે મંદિરની સીડીઓ ચડવાની શરૂ કરી દીધી હતી અને સવારે 3.45 વાગે તેમણે ભગવાનના દર્શન કર્યા હતા. બંને મહિલાઓ સાથે સાદા કપડામાં અને યુનિફોર્મમાં અમુક પોલીસકર્મીઓ પણ હતા. જોકે મંદિરમાં પ્રવેશ કરનાર બંને મહિલાઓનો અત્યારે સંપર્ક થઈ શકતો નથી. તે મહિલાઓ પોલીસ સુરક્ષામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અંદાજે 40 વર્ષની બે મહિલાઓએ આજે સવારે મંદિરમાં પ્રવેશ કર્યો છે. બંને મહિલાઓ સવારે 3.45 વાગે મંદિરમાં પહોંચી હતી અને ભગવાન અય્યપાના દર્શન કરીને પરત આવી હતી.કોંગ્રેસ નેતા રંજીત રંજને કહ્યું કે, સબરીમાલા મંદિરમાં દર્શન કરનાર બંને મહિલાઓને હું સલમા કરુ છું. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ઘણી મહિલાઓએ મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા મળી નહતી. આ પ્રયત્નોમાં હિંસા પણ ફેલાઈ હતી.
મંગળવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને ઈન્ટરવ્યૂ આપ્યું હતું. આ દરમિયાન જ્યારે તેમને સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ વિશેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, સબરીમાલા જ નહીં દેશમાં એવા ઘણાં મંદિર છે જ્યાં પરંપરા પ્રમાણે પુરુષોને એન્ટ્રી આપવામાં આવતી નથી. ત્યાં આ પરંપરાનું પાલન કરવામાં આવે જ છે અને કોઈને કઈ તકલીફ પણ નથી. જો લોકોની આસ્થા હોય તે સબરીમાલા મંદિરમાં મહિલાઓએ પ્રવેશ ન કરવો જોઈએ તો તેમની આસ્થાનો ખ્યાલ રાખવો જોઈએ. મોદીએ એવું પણ કહ્યું હતું કે, મહિલા જજે સબરીમાલા મંદિર વિશે જે નિર્ણય આપ્યો છે તે તેને પણ ધ્યાનમાં રાખવો જોઈએ.