DYSP સામે ગૂનો નહીં નોંધાય તો નહીં કરીએ અંતિમ સંસ્કાર
કરાઇ એકેડમીમાં ટ્રેનિંગ લઇ રહેલા પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડે કરેલી આત્મહત્યાના ચકચારી કિસ્સામાં ડીવાયએસપી એન.પી.પટેલ વિરુદ્ધમાં ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી તેની લાશના અંતિમ સંસ્કાર કરવાનો ઇન્કાર પરિવારજનોએ કર્યો છે.દેવેન્દ્રસિંહના પરિવારજનોએ લાશને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. ગઇ કાલે આ ચકચારી ઘટનાની તપાસ ઝોન-1ના ડીસીપી પાસેથી આંચકી લઇને ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં એસઆઈટીની રચના કરી છે, જેમાં એસીપી સી.એન. રાજપૂત કેસની તપાસ કરશે.
સોલા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચે હજુ સુધી મળી આવેલી સ્યુસાઇડ નોટના આધારે ડીવાયએસપી એન.પી.પટેલ વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી નથી. દેવેન્દ્રસિંહના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ ડીવાયએસપીને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને અમારી સાથે તોછડી ભાષામાં વાત કરીને ખોટા ખોટા આરોપ મૂકી રહી છે. આજે દેવેન્દ્રસિંહના પરિવારજનો હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરવા માટે પિટિશન ફાઇલ કરે તેવી શક્યતાઓ છે. હજુ સુધી પોલીસે ડીવાયએસી એન.પી.પટેલ વિરુદ્ધમાં ફરિયાદ નોંધી નથી. પહેલા દિવસે સોલા પોલીસે આ કેસમાં ભીનું સંકેલવાની કોશિષ કરી ત્યારે બીજા દિવસે આ કેસમાં પોલીસ કમિશનર એ.કે.સિંઘે ઝોન-1ના ડીસીપી જયપાલસિંહ રાઠોડને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દેવેન્દ્રસિંહના પિતાએ પણ આમરણ ઉપવાસ કરવાની ચીમકી આપી હતી તો તેના ભાઇ હેમેન્દ્રસિંહે પણ એન.પી.પટેલ વિરુદ્ધમાં ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી દેવેન્દ્રના અંતિમ સંસ્કાર કરવામાં નહી આવે તેવું જણાવ્યું હતું. ઘટનાના ત્રીજા દિવસે એટલે કે ગઇ કાલે આ કેસની તપાસ રાજ્યના પોલીસવડાએ ડીસીપી પાસેથી આંચકી લઇને ક્રાઇમ બ્રાંચને સોંપવાનો આદેશ આપ્યો છે.