લિપસ્ટિક લગાવવાના શોખીન છો તો ખાસ વાંચી લો
લિપસ્ટિક લગાડતાં પહેલાં હોઠને યોગ્ય આકાર આપવો પણ એટલો જ જરૂરી છે. આ માટે હોઠ પર તમારી ત્વચાના રંગને અનુરૂપ કન્સીલર લગાવો. ત્યારબાદ જો તમારા હોઠ બહુ પાતળા હોય તો તમારી નેચરલ લિપ-લાઇનની બહારની બાજુએ લિપ-પેન્સિલથી હોઠના આકારની લાઇન બનાવો અને જો તમારા હોઠ બહુ જાડા હોય તો તમારી નેચરલ લિપ-લાઇનની અંદરની બાજુએ લિપ-પેન્સિલથી હોઠના આકારની લાઇન બનાવો. છેલ્લે લિપસ્ટિક-બ્રશથી અંદર કલર ભરો. કેટલાકના ઉપર-નીચેના હોઠના આકારમાં પણ ફરક હોય છે. આ ટેકનિકથી તમે બન્ને હોઠને સમાન આકાર પણ આપી શકો છો.
લિપસ્ટિક-બ્રશથી લગાડેલી લિપસ્ટિક દેખાવમાં ખૂબ ધારદાર અને ઊડીને આંખે વળગે એવી હોય છે. જો તમારી ઇચ્છા હોઠ પરના રંગને એટલો શાર્પ બનાવવાની ન હોય તો લિપસ્ટિક-બ્રશના સ્થાને આઇશેડો-બ્રશનો ઉપયોગ કરવો જોઈએ.
જો કે આઇશેડો-બ્રશ લિપસ્ટિક-બ્રશની સરખામણીમાં વધુ જાડું હોવાથી એ વધુ ઝડપથી લિપસ્ટિક ફેલાવી દે છે, જે લિપસ્ટિકના પ્રમાણ અને રંગને આછો બનાવી દે છે. આ માટે પહેલાં હોઠના મધ્ય ભાગમાં થોડો કલર લગાડી આઇશેડો-બ્રશથી એને આખા હોઠ પર ફેલાવી દેવાથી એ લિપસ્ટિક નહીં પણ લિપ-ટિન્ટ લગાડ્યું હોવાનો આભાસ ઊભો કરે છે.