હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ અને તેની પત્ની સહિત 6 હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલમાં ઝડપાયા
ચર્ચાસ્પદ હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ ગઇકાલે મોડી રાત્રે દારૂની મહેફિલ માણતો ઝડપાયો છે. વિસ્મય શાહની પત્ની સહિત 6 લોકો હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલમાં ઝડપાયા છે. મળતી માહિતી પ્રમાણે વિસ્મય શાહના ગઇ 13મી ડિસેમ્બરના રોજ લગ્ન થયા હતા અને લગ્ન બાદની આ દારૂ પાર્ટીનું ખાસ આયોજન ફાર્મ હાઉસ પર કરાયું હતું. દારૂની મહેફિલ સાથે હુક્કાની પણ મહેફિલ માણી રહ્યા હતા. વિસ્મય શાહની સાથે તેની પત્ની પૂજા શાહ, વિસ્મયનો ભાઇ ચિન્મય શાહ, વીએસ હોસ્પિટલમાં ડૉકટર તરીકે ફરજ બજાવતા નીમા શાહ, હર્ષ મજુમદાર અને જાણીતા બિલ્ડરનો દીકરો મંથન ગણાત્રા પણ આ મહેફિલમાં સામેલ હતો. આ તમામને સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે મોકલાયા છે.
સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે ગઇકાલે ગાંધીનગર એલસીબી દ્વારા ગાંધીનગર-અડાલજ હાઇવે પર આવેલા બાલજી કુટિરમાં રાત્રે 10 વાગ્યાની આસપાસ રેડ પાડવામાં આવી હતી. જેમાં દારૂની મહેફિલ માણતા 6 લોકોની અટકાયત કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ હનીમૂન માટે વિદેશ જવા વિસ્મય શાહે જામીનની શરતોમાં સુધારો કરવા માટે હંગામી જામીન આપવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે હાઈકોર્ટે ના પાડી દીધી હતી. હનીમૂન માટે વિસ્મય શાહે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હરવા-ફરવા અને જોવાલાયક સ્થળો ભારતમાં પણ ઘણાં છે તે માટે વિદેશ જવા માટેની છૂટ આપવાની જરૂરિયાત નથી તેવું હાઈકોર્ટે અવલોકન કરીને વિદેશ જવાની ના પાડી દીધી હતી.