હિમાચલ પ્રદેશમાં હિમસ્ખલન, 5 જવાનો ફસાયા, 1 જવાન શહીદ
હિમાચલ પ્રદેશનાં કિન્નૌર જિલ્લામાં હિમસ્ખલનનાં કારણે સેનાનાં ઘણા જવાનો ફસાયા છે. બુધવારે સર્જાયેલી એક દુર્ઘટનામાં કુલ 6માંથી એક જવાન શહીદ થયો છે, જ્યારે પાંચ જવાનો હજુ પણ મોત સામે જંગ લડી રહ્યા છે. જેમને સુરક્ષિત બહાર કાઢવા માટે આજે ફરી એકવાર રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવશે. ફસાયેલા તમામ જવાનો ભારત-ચીન સીમા પર સજ્જ હતા. આ દિવસોમાં કિન્નૌર જિલ્લાનું તાપમાન -15 ડિગ્રીએ પહોંચી ગયુ છે. જ્યારે સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે ખાસ્સો બરફ પથરાઈ ગયો છે.
બુધવારે થયેલી દુર્ઘટના પછી કિન્નૌરમાં એક જવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય પાંચ શહીદોની કોઈ ભાળ મળી નથી. શહીદ થયેલો જવાન રમેશ કુમાર સેનાનાં જમ્મુ-કાશ્મીર રાયફલ્સમાં હતા.રેસ્ક્યૂ ઓપરેશનમાં સેના, ITBP અને BROનાં મશીનો પણ કામે લાગી ગયા છે. આશરે 250 જવાનો ફસાયેલા જવાનોને કાઢવા માટેનાં રેસ્ક્યૂમાં લાગી ગયા છે.
હિમસ્ખલનને કારણે ભારત તિબેટ સીમા પોલીસનાં ઘણા જવાનો ફસાયા હતા. જેમાંથી મોટા ભાગનાં જવાનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. અહીં હિમસ્ખલન વખતે 16 જવાનો હાજર હતા જેમાંથી 6 જવાનો દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.