Site icon Time News

ગુજરાતમાં આ દિવાળીએ નોંધાયા ઈમરજન્સીના સૌથી વધુ કેસ, કૉલમાં 25 % નો ઉછાળો

તહેવારોની ઉજવણી દરમિયાન ગુજરાતમાં ઈમર્જન્સી સેવાઓની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને નવા વર્ષના દિવસે ઈમર્જન્સી કોલમાં સૌથી વધુ સરેરાશ ૨૬ ટકાનો વધારો નોંધાયો હતો. ત્યાર બાદ ભાઈબીજના દિવસે ૧૪ ટકાનો વધારો થયો હતો. માર્ગ અકસ્માતો અને ટ્રોમાના કેસમાં થયેલા વધારાને કારણે ઈમર્જન્સી સેવાઓ પર ભાર વધ્યો હતો, જ્યારે દિવાળીના દિવસે દાઝી જવાના બનાવોમાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઈમર્જન્સી કેસમાં ૨૫ ટકા કે તેથી વધુનો વધારો નોંધાયો હતો.

ઈએમઆરઆઈ ૧૦૮ દ્વારા દિવાળીના દિવસે ૫,૯૩૪, નવા વર્ષના દિવસે ૬,૫૯૫ અને ભાઈબીજના દિવસે ૫,૯૮૪ ઈમર્જન્સી કેસ સંભાળવામાં આવ્યા હતા. સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ ૫,૨૪૮ ઈમર્જન્સી કેસ નોંધાતા હોય છે.

માર્ગ અકસ્માત સંબંધિત ઈમર્જન્સી કેસમાં દિવાળીના દિવસે ૮૭.૬૨ ટકાનો વધારો નોંધાયો હતો. સામાન્ય દિવસોમાં આવા ૬૪૬ કેસ નોંધાતા હોય છે, જે વધીને ૧,૨૧૨ થયા હતા. નવા વર્ષના દિવસે આ આંકડો વધીને ૧,૫૪૧ થયો હતો, જે ૧૩૮.૫૪ ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે ભાઈબીજના દિવસે ૧,૦૩૨ કેસ નોંધાયા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીએ ૫૯.૭૫ ટકાનો વધારો છે.

બિન-વાહનજન્ય ટ્રોમાના કેસમાં પણ દિવાળીના દિવસે ૭૫.૩ ટકાનો વધારો નોંધાયો હતો. સામાન્ય દિવસોમાં સરેરાશ ૫૯૫ કેસની સામે દિવાળીના દિવસે ૧,૦૪૩ ઈમર્જન્સી કેસ નોંધાયા હતા. નવા વર્ષના દિવસે આ સંખ્યા વધીને ૯૩૮ થઈ હતી, જે ૫૭.૭ ટકાનો વધારો દર્શાવે છે. ભાઈબીજના દિવસે ૭૨૪ કેસ નોંધાયા હતા, જે ૨૧.૭ ટકાનો વધારો છે.

મુખ્ય શહેરોની વાત કરીએ તો દિવાળીના દિવસે ઈમર્જન્સી કેસમાં સુરતમાં સૌથી વધુ ૧૦.૯ ટકાનો વધારો નોંધાયો હતો. ત્યાર બાદ રાજકોટમાં ૬.૮ ટકાનો વધારો થયો હતો. નવા વર્ષના દિવસે વડોદરામાં સૌથી વધુ ૨૫.૭ ટકાનો વધારો નોંધાયો હતો. ત્યાર બાદ રાજકોટમાં ૨૧.૭ ટકા અને અમદાવાદમાં ૧૩.૫ ટકાનો વધારો થયો હતો.

ભાઈબીજના દિવસે રાજકોટમાં સૌથી વધુ ૧૪.૬ ટકાનો વધારો નોંધાયો હતો. ત્યાર બાદ વડોદરામાં ૯.૬ ટકા અને અમદાવાદમાં ૭.૯ ટકાનો વધારો થયો હતો. ઈએમઆરઆઈના આંકડા મુજબ આ વિગતો સામે આવી છે.ભરૂચ, ભાવનગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ડાંગ અને વલસાડ જિલ્લામાં ઈમર્જન્સી કેસમાં ઓછામાં ઓછો ૨૫ ટકાનો વધારો નોંધાયો હતો.

દાઝી જવાના બનાવોમાં પણ તહેવારો દરમિયાન નોંધપાત્ર વધારો થયો હતો. દિવાળીના દિવસે દાઝી જવાના ૬૨ ઈમર્જન્સી કેસ નોંધાયા હતા, જ્યારે સામાન્ય દિવસોમાં આ સંખ્યા સરેરાશ ૧૧ હોય છે. નવા વર્ષના દિવસે આવા ૨૬ કેસ નોંધાયા હતા.

દિવાળીના દિવસે અમદાવાદમાં દાઝી જવાના સૌથી વધુ ૧૩ કેસ નોંધાયા હતા. ત્યાર બાદ સુરતમાં ૧૨ અને રાજકોટ તથા કચ્છમાં છ-છ કેસ નોંધાયા હતા.

Exit mobile version