હિમાચલમાં ભારેથી અતિભારે બરફ વર્ષા, હજી ઠંડીમાં થશે વધારો
હિમાચલ સહિત પહાડી વિસ્તારોમાં રવિવારે પણ ભારે બરફવર્ષા થઈ હતી. હિમાચલ પ્રદેશમાં 350થી વધારે રસ્તાઓ બંધ છે. લાહૌલ સ્પીતિના કેલોન્ગમાં પારો જાન્યુઆરીમાં 10 વર્ષ પછી પહેલીવાર -10 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યો છે. બીજી બાજુ લદ્દાખનો દ્રાસ વિસ્તાર સૌથી ઠંડો નોંધવામાં આવ્યો છે. અહીં સૌથી ઓછું તાપમાન માઈનસ 28.7 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેલોન્ગમાં તાપમાન સામાન્યથી 7 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. આ પહેલાં અહીં 31 જાન્યુઆરી 2008ના રોજ તાપમાન માઈનસ 18.5 ડિગ્રી સુધી થઈ ગયું હતું. હિમાચલના અલગ અલગ વિસ્તારમાં 24 કલાક સુધી ભારે બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે. મનાલીમાં તાપમાન માઈનસ 5, કુફરીમાં માઈનસ 4.2, ડેલહાઉસીમાં માઈનસ 1.5, શિમલામાં તાપમાન માઈનસ 0.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરના દ્રાસમાં ન્યૂનતમ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. અહીં મહત્તમ તાપમાન પણ શૂન્યથી 10.1 ડિગ્રી નીચું છે. શ્રીનગરમાં તાપમાન માઈનસ 1.4, પહલગામમાં માઈનસ 13, ગુલમર્ગમાં માઈનસ 12, લેહમાં માઈનસ 15.5 અને કારગિલમાં માઈનસ 20.7 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે.