અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, બપોરે અચાનક વાતાવરણમાં પલટો
અમદાવાદના વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તો વીજળી પડવાને કારણે શહેરીજનોમાં ગભરાટ ફેલાયો હતો. અમદાવાદના પૂર્વ સહિત પશ્વિમ વિસ્તારના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદના કાલુપરુ, સીટીએમ, વેજલપુર, બોપલ સહિતનાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તો વડોદરામાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને કારણે વડોદરામાં અંધારપટ છવાઈ ગયો હતો.
અમદાવાદમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. પહેલાં વીજળીના કડાકાઓનો જોરદાર અવાજ આવ્યો હતો. પણ પછી તો વરસાદ એવો તૂટ્યો કે, અમદાવાદીઓને ભરબપોરે મજા પડી ગઈ હતી. વાતાવરણમાં ઘનઘોર વાદળ છવાઈ ગયા હતા. જાણે કે આખા અમદાવાદમાં અંધારપટ છવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાલુપુર, દુધેશ્વર, સીટીએમ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો પશ્વિમ વિસ્તારમાં કાંકરિયા, બોપલ, શીલજ, ઘુમા સહિતનાં વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ વરસ્યો હતો. ભાદરવાની આકરી ગરમીથી કંટાળેલાં અમદાવાદીઓ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં આનંદિત થઈ ઉઠ્યા હતા.