અમદાવાદની અસલી ઓળખ તેની પોળોમાં જોવા મળે છે. અહીંની દરેક પોળ અને વિસ્તારનું નામ તેના ઇતિહાસ, ત્યાં રહેતા લોકોના વ્યવસાય, કોઈ જાણીતી વ્યક્તિ અથવા જૂની પરંપરાથી જોડાયેલું છે.
વર્ષ 1411માં સુલતાન અહમદશાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી. આ શહેરનો ઇતિહાસ ખૂબ જ ગૌરવભર્યો રહ્યો છે. સમયાંતરે શહેરના નામોમાં પણ ફેરફાર થયો — પહેલે આશાપલ્લી, પછી આશાવલ, ત્યારબાદ કર્ણાવતી અને અંતે અમદાવાદ તરીકે ઓળખાયું. શાસકો બદલાતા નામ બદલાતા ગયા, પરંતુ શહેરની સાચી ઓળખ તેની પોળો જ રહી, જે આજે પણ મજબૂતીથી અસ્તિત્વમાં છે.
પોળ શબ્દનો અર્થ શું?
‘પોળ’ શબ્દ સંસ્કૃતના ‘પ્રતોલી’ પરથી આવ્યો છે. સોલંકી કાળમાં પોળોને ‘પાડા’ કહેવામાં આવતી. આજે પણ પાટણમાં ‘જમનો પાડો’ અથવા ‘ઢીલી ખીચડીનો પાડો’ જેવા નામો સાંભળવા મળે છે.
અમદાવાદમાં પોળો માત્ર રહેવાની જગ્યા નહોતી, પરંતુ એક સંયુક્ત જીવનપદ્ધતિ હતી. દરેક પોળમાં કૂવો, મંદિર, ચબૂતરો, દરવાજો, ઓટલો, ચોગાન અને પશુઓ માટે ચાટ જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહેતી, જે સમાજને એક સાથે જોડીને રાખતી.
પોળોના અનોખા નામ કેવી રીતે પડ્યા?
અમદાવાદની ઘણી પોળોના નામ પાછળ કોઈ વ્યક્તિ, જાતિ-ઉપજાતિ, પરંપરાગત વ્યવસાય કે પશુ-પક્ષીઓ સાથે જોડાયેલી ઓળખ રહેલી છે. જેમ કે લાખા પટેલની પોળ, હાજા પટેલની પોળ, જાદા ભગતની પોળ, ધના સુથારની પોળ અને ગોઝારિયાની પોળ — આ નામો ત્યાં રહેતા જાણીતા લોકો અથવા પરિવારો પરથી પડ્યા છે.
કેટલીક પોળોના નામ તો સાંભળતા જ આશ્ચર્ય થાય — ચામાચીડિયાની પોળ, દેડકાની પોળ અને બકરી પોળ. કહેવાય છે કે આવા નામો ત્યાંની કોઈ ખાસ ઘટના, લોકકથા અથવા સ્થાનિક ઓળખ પરથી પડ્યા હશે. મુઘલકાળના દસ્તાવેજોમાં પણ ઢીંકવા ચોકી, હાજા પટેલની પોળ, નિશા પોળ અને ભંડેરપુર પોળ જેવા નામોના ઉલ્લેખ મળે છે, જે દર્શાવે છે કે પોળ સંસ્કૃતિનો ઇતિહાસ ખૂબ જ જૂનો અને ગૌરવશાળી છે.
અમદાવાદના વિસ્તારોના નામ પાછળનો રસપ્રદ ઇતિહાસ
અમદાવાદના અનેક વિસ્તારોના નામો પાછળ પણ ઐતિહાસિક અને રસપ્રદ કારણો જોડાયેલા છે. ઘણા વિસ્તારોએ તેમના નામ ધાર્મિક સ્થળો, જાણીતા વ્યક્તિઓ, શાસકો, કુદરતી પરિસ્થિતિઓ અથવા ખાસ વ્યવસાયના આધારે મેળવ્યા છે.
માણેકચોકનું નામ માણેકનાથ બાવા સાથે જોડાય છે. ઢાલગરવાડમાં ઢાલ બનાવવાનો વ્યવસાય ચાલતો હોવાથી એ નામ પડ્યું. ડબગરવાડ ઢોલ-નગારા બનાવતા ડબગરો માટે જાણીતું બન્યું. શાહીબાગને મુઘલકાળના શાહી બગીચા અને મહેલને કારણે ઓળખ મળી. આંબાવાડી વિસ્તારમાં એક સમયે આંબાના ઝાડ અને તળાવ હતાં, તેથી એ નામ પડ્યું. મણિનગર એક દાતાશ્રીની યાદમાં વસાવવામાં આવ્યું, જ્યારે નારણપુરા નરનારાયણ મંદિર પરથી ઓળખાયું.
આ રીતે શહેરના દરેક વિસ્તારનું નામ તેની પાછળની કહાની, પરંપરા અને ઓળખ સાથે જોડાયેલું છે, જે અમદાવાદના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે.
અમદાવાદ – પોળોની અનોખી સંસ્કૃતિ
અમદાવાદની પોળો માત્ર ઘરોનો સમૂહ નથી, પરંતુ એક સંકળાયેલું પરિવાર છે. અહીં લોકો સાથે મળી તહેવારો ઉજવે છે, પ્રસંગોમાં ભાગ લે છે અને મુશ્કેલીમાં એકબીજાની મદદ કરે છે — આ જ છે સાચી અમદાવાદી ઓળખ.
આજે આધુનિક વિકાસ વચ્ચે પણ પોળો શહેરના ગૌરવ, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતિક બનીને ઉભી છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાક માટે માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
