સાચવજો એક વર્ષમાં સાયબર ફ્રોડમાં ગુજરાતીઓએ ગુમાવ્યા આટલા કરોડ રૂપિયા
ગુજરાતીઓ પૈસા કમાવવાની સાથે ગુમાવવામાં પણ અવ્વલ છે. લોકસભામાં જાહેર કરાયેલા ડેટામાં આ માહિતી સામે આવી છે. દેશમાં સૌથી વધુ સાયબર ફ્રોડનો શિકાર ગુજરાતીઓ બન્યા છે. એક વર્ષમાં ગુજરાતીઓએ સાયબર ફ્રોડમાં 156 કરોડ ગુમાવ્યા છે. તેના બાદ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. પરંતુ 156 કરોડ ગુમાવવાનો આંકડો આખા દેશમાં સૌથી વધુ છે.
આ સપ્તાહની શરૂઆતમાં લોકસભામાં આ આંકડા રજૂ કરવામાં આવ્યા છે. સંજય ભાટિયા, પીસી મોહલ અને એલએસ તેજસ્વી સૂર્યા સહિતના આઠ સાંસદોએ આ અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાએ આ ડેટા જાહેર કર્યાં છે. આ આંકડા અનુસાર, ગુજરાતીઓએ એક વર્ષમાં સાયબર ક્રાઈમમાં 156 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
એટલુ જ નહિ, વર્ષ 2023 માં નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન એટલે કે 1930 નંબર પર ગુજરાતમાંથી કુલ 1,21,701 કોલ ડાયલ થયા છે. એટલે કે, દરરોજ 333 કોલ અને દર ચાર મિનિટે એક કોલ. ગુજરાતીઓ આ હેલ્પલાઈન નંબર પર કોલ કરવામાં પણ પ્રથમ નંબરે છે.