અંબાજીમાં ભાદરવી પુનમના દિવસે ગુજરાત મેળવશે ઐતિહાસિક સિદ્ધિ
ગુજરાતની અસ્મિતા સરદાર સરોવર નર્મદા ડેમમા જળ સપાટી 11 દિવસને અંતે 138 મીટરે પહોંચશે. જોગાનુજોગ 11માં દિવસે અર્થાત 14મી સપ્ટેમ્બરને શનિવારે અંબાજીમાં ભાદરવી પુનમનો મેળો પદયાત્રીઓથી હિલોળા લેતો હશે. આ સંજોગને સંયુક્તપણે ઉજવવા સરકારે તૈયારી શરૂ કરી છે.
સરદાર સરોવર નર્મદા નિગમમાંથી પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારે સવારે ડેમમાં 30 પૈકી 10 દરવાજેથી પાણી છોડવામાં આવતુ હતુ. સાંજે નવ દરવાજા બંધ કરીને માત્ર એક જ દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે. રાત્રે 9 કલાકે ડેમમાં પાણીની સપાટી 135.28એ પહોંચી છે. પ્રત્યેક 24 કલાકે 30 સેન્ટીમીટર સપાટી વધારીને ડેમના બાંધકામ, જળ સંગ્રહની ક્ષમતાની તકનિકી ચકાસણી કર્યા બાદ બીજા ૩૦ સેન્ટીમીટર જળસ્તર વધારવા નિર્ણય લેવાય છે.
આ ઐતિહાસિક દિવસ ભાદરવી પુનમે અંબાજી પદયાત્રા મહોત્સવને નજીક હોવાના અણસાર છે. આથી, સરદાર સરોવરના ઈજનેરો દ્વારા 14-15 સપ્ટેમ્બરને શનિ-રવિના દિવસોમાં ઉજવણી કરવાનું આયોજન છે.