અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા, પાટણ, સુરત, વલસાડ, ભરૂચ, આણંદ, ભાવનગર, અમરેલી જામનગર અને અમદાવાદમાં વરસ્યો કમોસમી વરસાદના સમાચાર મળી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં છે. આ સાથે જ હજુ 2 દિવસ માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
આગામી 2 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, નર્મદા, તાપી, ડાંગમાં પણ આગાહી કરવામાં આવી છે. 21 માર્ચે ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. 21થી 22 તારીખે ફરી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાઇ રહી છે. શહેરમાં 40 થી 45 કિ.મીની ગતીએ પવન ફુંકાઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. 40 પાર પહોંચેલા તાપમાનમાં લોકોને ગરમીથી રાહત મળી છે. બીજી બાજુ શહેરમાં ઠેર ઠેર ધુળની ડમરીઓ ઉડી રહી છે. જિલ્લામાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ થયો છે.
અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. શહેરમાં પવન સાથે ધુળની ડમરીઓ પણ ઉડી છે. રીંગ રોડ, બોડકદેવ, માનસી ચાર રસ્તા, યુનિવર્સિટી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. આશ્રમરોડ અને સરખેજ તેમજ નારોલ, નિકોલમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ એકાએક પલટો આવ્યો હતો. ત્યારબાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હળવો વરસાદ ખાબક્યો હતો. બીજી બાજુ શહેરના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે. સાણંદ પંથકમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે. સાણંદ GIDC વિસ્તારમાં માવઠું પડ્યું છે.