Gujarat

ગુજરાતને જામનગર-અમદાવાદ વચ્ચે ત્રીજી વંદે ભારત ટ્રેન મળશે, 24મીએ વડાપ્રધાન મોદી લીલી ઝંડી આપશે

ગુજરાતની ત્રીજી અને સૌરાષ્ટ્ર તરફ દોડનારી સૌપ્રથમ વંદે ભારત ટ્રેનને 24મી સપ્ટેમ્બરના રોજ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જામનગર-અમદાવાદ વચ્ચે દોડનારી આ વંદે ભારત ટ્રેનનું આજે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ અને પરત સાબરમતી સુધી ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. ટ્રેનને 110થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી હતી. સૌરાષ્ટ્ર તરફના રેલવે ટ્રેક ઉપર 100 ઉપર સ્પીડથી ટ્રેનને દોડાવીને સંપૂર્ણપણે તપાસ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન કોઈ પણ પ્રકારની ખામી કે તકલીફ જોવા મળી નહોતી.

સૌરાષ્ટ્રની સૌપ્રથમ વંદે ભારત ટ્રેન જામનગર અને અમદાવાદ વચ્ચે 24મી સપ્ટેમ્બરે લોકાર્પણ બાદ દોડશે. સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ અને વિરમગામથી પરત સાબરમતી સુધી ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધારે ટ્રેનની સ્પીડ ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું. 110થી 120ની સ્પીડ ઉપર ટ્રેન ચલાવી હતી. જેમાં ક્યાંય પણ કોઈ ખામી જોવા મળી નહોતી. ટ્રેનના કોચમાં એસી, ડોર, એક્ઝિક્યુટિવ ચેરકાર, સીસીટીવી, વાઈફાઈ વગેરેની તપાસ કરવામાં આવી હતી.

વંદે ભારત ટ્રેન જામનગરથી ઉપડી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ અને સાબરમતી થઈ અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચશે. જામનગરથી અમદાવાદ માત્ર 5 કલાકમાં ટ્રેન પહોંચાડી દેશે. સંભવિત ટાઈમટેબલ મુજબ વંદે ભારત ટ્રેન જામનગરથી સવારે 5:30 વાગ્યે ઉપડશે અને સાબરમતી 10.10 અને અમદાવાદ રેલવે સ્ટેશન 10.25ની આસપાસ પહોંચશે. અમદાવાદ રેલવે સ્ટેશનથી સાંજે છ વાગ્યે ટ્રેન ઉપડશે જે રાત્રે જામનગર 10.30 વાગ્યે પહોંચશે. જામનગર-અમદાવાદ વચ્ચે દોડનારી આ વંદે ભારત ટ્રેનનું ભાડું આવતીકાલ સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.

24મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવનાર છે, ત્યારે જામનગરથી લઈ અમદાવાદ સુધીના વિવિધ રેલવે સ્ટેશનો ઉપર કાર્યક્રમ યોજવામાં આવશે. વડાપ્રધાન દ્વારા બપોરે 12:30 વાગ્યે લીલી ઝંડી આપ્યા બાદ ટ્રેન જામનગરથી અમદાવાદ આવવા રવાના થશે. ત્યારે રાજકોટ વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ રેલવે સ્ટેશન પર ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો દ્વારા ટ્રેનનું સ્વાગત કરવામાં આવશે. અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા પણ સાબરમતી અથવા અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button