સુરતમાં જન્મના બે કલાકમાં જ બાળકનો પાસપોર્ટ બનાવવાનો રેકોર્ડ
સુરતના પરવત પાટિયા ખાતે જન્મના ત્રણ કલાકમાં જ નવજાતનો પાસપોર્ટ ઇશ્યુ કરવાના રેકોર્ડના બે મહિના બાદ નાના વરાછાની ‘નાભ્યા’નો માત્ર બે કલાકની અંદર જ જન્મનો દાખલો, આધારકાર્ડ, પાસપોર્ટ અને રેશનિંગકાર્ડ બનાવી ડિજિટલ ઇન્ડિયાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જન્મની સાથે જ પિતાએ દીકરીનું નામ પાડી માત્ર 10 જ મિનિટમાં વરાછા ઝોનમાંથી બર્થ સર્ટિફિકેટ મેળવી લીધું હતું. જ્યારે જન્મના પાંચ મિનિટમાં તો પાસપોર્ટ મેળવવાની ઓનલાઇન અરજી કરી ગણતરીના બે કલાકમાં જ મહત્ત્વના ઓળખ પુરાવાઓ મેળવી ડિજિટલ ઇન્ડિયા સિસ્ટમને સફળ બનાવી હતી.
નાના વરાછાની તાપી દર્શન સોસાયટીમાં રહેતા અને વકીલ હોવા છતાં ટાઇલ્સનો વેપાર કરતાં અંકિત નાકરાણીએ બાળકનું અનોખું સ્વાગત કરવા એક મહિના પહેલાં જ મિત્ર પીયૂષ સાથે ચર્ચા કરી હતી. જેમાં ડિજિટલ ઇન્ડિયાનો વિચાર તેમના મનમાં આવ્યો હતો.
12મી ડિસેમ્બર સવારે 10.30 વાગ્યે દીકરીનો જન્મ થતાં જ પિતાએ તેનું નામ ‘નાભ્યા’ પાડ્યું ને તરત જ હોસ્પિટલના કાગળો લઇ વરાછા ઝોન પહોંચ્યા. જ્યાં એક પુરાવો ખૂટતાં હોસ્પિટલનું પ્રમાણપત્ર વોટ્સએપ ઉપર મંગાવાયું હતું. પાલિકા કર્મીએ તે ફોટાના આધારે બર્થ સર્ટિ. ઇશ્યુ કર્યું હતું.