Site icon Time News

‘ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં’ જેવી સ્થિતિ! લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં પોલીસનું એક્શન, 3 દિવસમાં 1 કરોડથી વધુ કિંમતનો દારૂ જપ્ત

ભાવનગર શહેરમાં સર્જાયેલા ગંભીર લઠ્ઠાકાંડની દુર્ઘટના બાદ આખરે રાજ્યભરની પોલીસ જાગી છે. લાંબા સમયથી બેફામ બનેલા દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ સામે હવે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે આખી ઘટના બની ગયા બાદ પોલીસ સક્રિય થતી હોય છે, જેને લોકમુખે ‘ઘોડા છૂટયા પછી તબેલાને તાળાં’ જેવી કહેવત સાથે સરખાવવામાં આવે છે. આ દુર્ઘટના બાદ રાજ્યમાં દારૂબંધીના કાગળ પરના અમલને કડક બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા મોટા પાયે ‘ઓપરેશન’ હાથ ધરવામાં આવ્યું છે.

લઠ્ઠાકાંડના ઘાહ હજુ રૂઝાયા નથી ત્યાં જ પોલીસ વિભાગે માત્ર ત્રણ દિવસની અંદર આખો રાજ્યાવિસ્તાર ઘમરોળી નાખ્યો છે. આ ટૂંકા સમયગાળામાં જ સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આ ડ્રાઈવ દરમિયાન હજારો વિદેશી દારૂની બોટલો અને મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો ઝડપાઈ આવ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે અગાઉ બુટલેગરો કેટલી બેરોકટોક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા.

રાજ્યના અલગ-અલગ શહેરો અને જિલ્લાઓમાં પોલીસે હાથ ધરેલી આ ઝુંબેશના આંકડા ચોંકાવનારા છે. અમદાવાદમાં સૌથી વધુ કડકાઈ દાખવતા અમદાવાદ શહેરમાંથી અંદાજે 45 લાખ રૂપિયાથી વધુનો દારૂ ઝડપાયો છે. ત્યારબાદ વડોદરા શહેરમાં 19.76 લાખ અને વડોદરા જિલ્લામાં 2.84 લાખ રૂપિયાનો દારૂ પકડાયો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં 12.94 લાખ, વલસાડમાં 14.40 લાખ, નવસારીમાં 2.52 લાખ , ડાંગમાં 4.33 લાખ, બોટાદમાં 3.62 લાખ અને ભાવનગરમાં 1.25 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ભાવનગર શહેરમાં સર્જાયેલા ગંભીર લઠ્ઠાકાંડની દુર્ઘટના બાદ આખરે રાજ્યભરની પોલીસ જાગી છે, ત્યારે એકલા દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાંથી જ પોલીસે આશરે 9,539 વિદેશી દારૂની બોટલો અને 2,718 લીટર દેશી દારૂ જપ્ત કર્યો છે.

Exit mobile version