લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ ટીકિટ માટે મારામારી
બીજેપીમાં 2019 લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીને લઇને ઉમેદવારોની પસંદગીની ગતિવિધિઓ શરૂ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. જેમાં રાજ્યના અનેક સાંસદોનાં ટિકીટ માટે વલખા મારતા નજરે પડી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઓછા સક્રિય હોય તેવા સાંસદોની ટિકિટ કપાશે અને તેના બદલામાં નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. જેમાં અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલને રીપીટ કરવાની શક્યતા નહીવત છે. તેઓના સ્થાને એક નવો ચહેરો સ્થાન પામે તો નવાઇ નહીં. આ વિસ્તારની બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભૂત્વ રહેલું છે, જેથી ભાજપ તરફથી આ બેઠક પર પાટીદાર અગ્રણીને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
વધુમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ પૂર્વની બેઠક પર પાટીદાર અગ્રણી સી.કે.પટેલનું નામ મોખરે છે. પરંતુ પાટીદારો જ સી.કે પટેલનો વિરોધ દર્શાવે તેમ લાગી રહ્યું છે. સી.કે.પટેલ પાટીદાર સમાજના અગ્રણીઓમાં પસંદગીનું નામ છે. માટે પાટીદારોના પ્રભૂત્વવાળી આ બેઠક પર ભાજપ તરફથી સી.કે.પટેલને ટિકિટ આપવામાં આવી શકે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પૂર્વ વિસ્તારમાં લોકો સાંસદ પરેશ રાવલની કામગીરીથી નારાજ છે. થોડા સમય પહેલા પણ પરેશ રાવલ સોશિયલ મીડિયા પર નબળી કામગીરીને લઈ ટ્રોલ થયા હતા. સાંસદ પરેશ રાવલ અગાઉ આ બેઠક પર છેલ્લા ઘણી ટર્મથી હરિન પાઠક ચૂંટાતા હતા પરંતુ 2014માં અચાનક તેમનું પત્તુ કાપી આ બેઠક પર પરેશ રાવલને પસંદ કરાયા હતા. જોકે, પરેશ રાવલની કામગીરીથી અસંતોષની લાગણી ફેલાઇ છે. જેથી ફરીવાર તેઓને રીપીટ કરી બીજેપી કોઇ જોખમ લેવા ભૂલ નહી કરે અને કોઇ નવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળે તેવી શક્યતા છે.