
ગુજરાતના મેરિટાઈમ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારની કેબિનેટે જામનગર જિલ્લાના વાડીનાર ખાતે આધુનિક શિપ રિપેર ફેસિલિટી સ્થાપવાની મંજૂરી આપી છે, જે ભારતના સમુદ્રી માળખાને નવી દિશા આપશે. આ પ્રોજેક્ટને કુલ અંદાજે 1,570 કરોડ રૂપિયાના સંયુક્ત રોકાણ સાથે અમલમાં મૂકવામાં આવશે.આ પ્રોજેક્ટનું અમલીકરણ દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. બંને સંસ્થાઓના સહયોગથી વાડીનાર ખાતે એક અત્યાધુનિક શિપ રિપેર હબ વિકસાવવામાં આવશે, જે ભારતના શિપિંગ અને બંદર ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે.
મહત્વનું છે કે, આ સુવિધા કાર્યરત થયા બાદ 300 મીટર સુધી લાંબા મોટા જહાજોના સમારકામ શક્ય બનશે. હાલ સુધી આવા મોટા જહાજોના સમારકામ માટે ભારતને ઘણીવાર વિદેશી બંદરો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ આ પ્રોજેક્ટથી આ નિર્ભરતા નોંધપાત્ર રીતે ઘટશે. વાડીનારની ભૌગોલિક સ્થિતિ, ઊંડા દરિયાઈ ડ્રાફ્ટ અને કંડલા તથા મુંદ્રા જેવા મોટા બંદરોની નજીકતા તેને આ પ્રોજેક્ટ માટે અત્યંત અનુકૂળ બનાવે છે. અહીં 650 મીટર લાંબી જેટી, બે મોટા ફ્લોટિંગ ડ્રાય ડોક્સ, આધુનિક વર્કશોપ અને મેરિટાઈમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે.
આ પ્રોજેક્ટ માત્ર ઢાંચાકીય વિકાસ પૂરતો સીમિત નથી, પરંતુ તે રોજગારીના નવા અવસર પણ ઊભા કરશે. અંદાજ મુજબ સીધી અને આડકતરી રીતે અનેક લોકોને રોજગાર મળશે, ખાસ કરીને શિપ રિપેર, લોજિસ્ટિક્સ અને સંબંધિત ઉદ્યોગોમાં. સાથે જ સ્થાનિક MSME ક્ષેત્રને પણ નવી તકો મળશે. આ પહેલ ભારતના બંદરોની સ્પર્ધાત્મકતા વધારશે અને ટર્નઅરાઉન્ડ સમય ઘટાડવામાં મદદરૂપ થશે. પરિણામે ભારતીય મેરિટાઈમ ક્ષેત્ર વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે. આ પ્રોજેક્ટ Maritime India Vision 2030 અને મેરીટાઇમ અમૃતકાળ વિઝન 2047 જેવા લાંબા ગાળાના રાષ્ટ્રીય લક્ષ્યોને પણ મજબૂતી આપશે.
