પીએમ મોદીના PRO જગદીશ ઠક્કરનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લેતા હતા સારવાર
વડાપ્રધાન કાર્યાલયના PRO જગદીશ ઠક્કરનું મલ્ટિ ઓર્ગન ફેઈલ્યોરને કારણે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્રણ મહિનાથી તેઓ દિલ્હીની એઈમ્સમાં દાખલ હતા. સારવાર દરમિયાન તેમણે આજે અંતિમ શ્વાસ લીધો હતો. ત્યાર બાદ પીએમ મોદી જગદીશ ઠક્કરના પરિવારજનોને મળ્યા હતા.
વડાપ્રધાને ટ્વિટ કરીને જગદીશ ઠક્કરની વિદાય પર શોક વ્યક્ત કરી પરિવાર અને સગાસંબંધીઓને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
70 વર્ષના જગદીશ ભાઇ 1986થી ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા હતા. તેમણે ગુજરાતના અનેક મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું છે. તેઓ સાદગી અને જોશીલા સ્વાભાવ માટે જાણીતા હતા.
જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ જગદીશ ઠક્કર તેમના પીઆરઓ હતા. મોદીનાં સૌથી નજીક અને વિશ્વાસપાત્ર લોકોની યાદીમાં તેમનું નામ આવે છે. કહેવાય છે કે દેશના પીએમ અને તેમના પીઆરઓ પણ ગુજરાતી હોય તેવું પહેલી વખત બન્યું હતું.