બીલીમોરા: અંધશ્રદ્ધાની હાટડી ચલાવી સ્ત્રીઓને ભેળવતા લંપટ તાંત્રિકની ધરપકડ
બીલીમોરાના દેસરા વિસ્તારમાં લોકોના દુઃખ દર્દ મંત્ર તંત્રથી દૂર કરવાની અંધશ્રદ્ધાની હાટડી ચલાવતા એક લંપટ બાપુએ જુદી જુદી સ્ત્રીઓને ભોળવી તેમને ભ્રમિત કરી તેમની સાથે આચરેલી કામલીલાની અંગત પળોના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ઉહાપોહ મચ્યો હતો, જેમાં આ ધુતારા બાપુના દુષ્કર્મનો ભોગ બનનાર એક પીડિતાએ તેની સામે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બાપુને પકડી જેલમાં ધકેલી દીધો છે.
દેસરા વિસ્તારના સરકારી ગોડાઉન સામે, ઓરિયા મોરિયા વિસ્તારમાં રહેતો શૈલેષ નાયકા જે અંધશ્રદ્ધાની હાટડી ચલાવતો હતો. જે મંત્ર તંત્રથી દુખિયારા લોકોના દુઃખદર્દ અને લોકોના અટકી પડેલા કામો દૂર કરવાનો કીમિયો બતાવી લોકોને ભોળવી છેતરી તેની પાસે પોતાના દુઃખદર્દ મટાડવા માટે આવેલ મહિલા, યુવતીઓને મોહપાશમાં ભેરવતો હતો અને તેમની સાથે પોતાની હવસ સંતોષતો હતો. આ લંપટ શૈલેષ બાપુની કામલીલાના ફોટો તથા કલીપીંગ્સ વાયરલ થતા ચકચાર મચી હતી. જેના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયાં બાદ ભોગ બનનાર એક યુવતીએ હિંમત કરી તેની સામે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.