રાજ્યભરમાં શિયાળાએ જમાવટ કરી, ઠંડીની તીવ્રતા વધીઃ 11.4 ડિગ્રી
એક સમયે રાજ્યભરમાં ઠંડીના નહીંવત્ ચમકારાથી અલનીનો ઇફેકટના કારણે શિયાળો જમાવટ નહીં કરે તેમ લાગતું હતું, પરંતુ હવે રાજ્યભરમાં ઠંડીની તીવ્રતા જણાઇ રહી છે. અમદાવાદમાં ગઇ કાલની સરખામણીમાં ઠંડીનો પારો એક ડિગ્રી ગગડતાં અમદાવાદીઓ વહેલી સવારથી ઠૂંઠવાયા હતા. આજે શહેરનું લઘુતમ તાપમાન ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું.
આજે શહેરમાં વહેલી સવારથી દર કલાકે ૧પ કિ.મી.ની ગતિ ધરાવતા ઠંડાગાર પવન ફુંકાતા નાગરિકોને સ્વેટર સહિતના ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. ઠંડીના આ સપાટાથી ઠેકઠેકાણે લોકોને તાપણાં કરીને હૂંફ મેળવી હતી. આજે શહેરનું લઘુતમ તાપમાન ૧૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતા બે ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં વધારો થવાની શક્યતા દર્શાવાઇ છે. બીજી તરફ રાજ્યભરમાં શિયાળાએ જમાવટ કરી છે. નલિયામાં આજે ઠંડીનો પારો ગગડીને છેક પ.૮ ડિગ્રીએ પહોંચતા નલિયાવાસીઓ ધ્રુજી ઊઠ્યા હતા.