સુરત એરપોર્ટ પર ACBની ટીમે મહિને દોઢ લાખના પગારદાર અધિકારીને લાંચ લેતા ઝડપ્યો
સુરત એરપોર્ટ ઓથોરિટીના ક્લાસ વન ઓફિસરને તેની ઓફિસમાં જ લાંચ લેતા પકડી પાડવામાં આવ્યો હોય. સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા રૂ. 1.50 લાખનો માસિક પગાર મેળવતા જોઇન્ટ જનરલ મેનેજર રાધા રમણ ગુપ્તા રૂ. 30 હજારની લાંચ લેતા પકડાયો છે. જેને પકડી પાડવા માટે એસીબીની ટીમે મજૂરનો રોલ ભજવવો પડ્યો હતો.
લાંચ રુશ્વત વિરોધી શાખાના સુરત એકમના ઇનચાર્જ મદદનીશ નિયામક નિરવસિંહ ગોહીલે કહ્યું કે, સુરત એરપોર્ટ પર એન્યુઅલ કોન્ટ્રેક્ટ ચાલતો હતો. તેનું બિલ મંજૂર કરવા માટે જોઇન્ટ જનરલ મેનેજર રાધા રમણ ગુપ્તાની સહી કરાવવી પડે છે. આ સહી કરવાના બદલામાં તે બિલની કુલ રકમના બે ટકા લેખે રકમ લાંચમાં માગતો હતો. એ રકમ આપ્યા બાદ જ બિલ મંજૂર કરતો હતો. આ રીતે કુલ બિલના બે ટકા લેખે રૂ. 30 હજાર થતા હતા. તે રકમ કોન્ટ્રાક્ટર પાસે તેણે માગી હતી.
બીજી બાજુ આ કોન્ટ્રાક્ટરે લાંચ રુશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો. પરિણામે લાંચનું છટકું ગોઠવવાનું આયોજન કરાયું. જેમાં તે પોતાની ઓફિસમાં જ લાંચની રકમ લેતા પકડાયો હતો.
એરપોર્ટના ક્લાસ વન અધિકારીને લાંચના છટકામાં પકડવાનું કામ થોડું કપરું હતું. પરિણામે એસીબીની ટીમે પણ ખૂબ જ કાળજી રાખી હતી. અન્ય કોઈ જગ્યા હોયો તો એસીબીની અધિકારીઓ આજુબાજુમાં ગોઠવાઇ જાય પણ એરપોર્ટમાં જવાનું અઘરું હતું. જેથી એસીબીના પોઈ બી.કે. વનાર અને તેમની ટીમના અન્ય કર્મચારીઓ મજૂર બનીને એરપોર્ટમાં પહોંચ્યા હતા. કોઈને ગંધ સુદ્ધાં ન આવે તેની વિશેષ કાળજી રાખી હતી. આ રીતે મજૂર બનીને એસીબીની ટીમ જોઇન્ટ જનરલ મેનેજર સુધી પહોંચી હતી.
લાંચની રકમ સ્વીકારવા માટે તૈયાર થયેલા રાધા રમણ ગુપ્તાએ લાંચની રકમ સ્વીકારી એ પૂર્વે બે વખત પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળી રેકી પણ કરી હતી. આમ છતાં મજૂરના રૂપમાં રહેલી એસીબીની ટીમ તેને જોવા મળી નહીં. જેના કારણે લાંચની રકમ પોતાની ઓફિસમાં બિન્ધાસ્ત સ્વીકારી હતી.