શ્રીનગરમાં ખરીદી કરતા લોકો પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 10 લોકો ઘાયલ
જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો થયો છે. શ્રીનગરમાં ટીઆરસી ઓફિસ પાસે સંડે બજારમાં આ હુમલો થયો છે. સંડે બજારમાં ખરીદી કરતી ભીડને ટાર્ગેટ બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 10 લોકો ઘાયલ થયા છે. એક દિવસ પહેલા ખાનયારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો હતો.
જમ્મુ કાશ્મીરમાં સતત ત્રીજા દિવસે આતંકી ગતિવિધિ જોવા મળી હતી. સુરક્ષાદળોએ શનિવારે બે એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. આ બન્ને એન્કાઉન્ટર અલગ અલગ જગ્યાએ થયા હતા. પ્રથમ એન્કાઉન્ટર શ્રીનગરમાં જ્યારે બીજો અનંતનાગમાં થયો હતો. સુરક્ષાદળોએ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ટોપ પાકિસ્તાની કમાન્ડર અને 2 અન્ય આતંકીઓને ઠાર માર્યા હતા.
એક સીનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે લશ્કર કમાન્ડરની ઓળખ ઉસ્માનના રૂપમાં થઇ છે જે એક દાયકાથી કાશ્મીર ઘાટીમાં એક્ટિવ હતો અને ઇંસ્પેક્ટર મસરૂર વાનીની હત્યામાં પણ સામેલ હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં ઇદગાહ મેદાનમાં ક્રિકેટ રમતા સમયે મસરૂર વાનીની નજીકથી ગોળી મારીને હત્યા કરી દીધી હતી.